• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

ધનતેરસથી અમદાવાદ-કેશોદ વિમાની સેવાના થયા શ્રીગણેશ

કેશોદ આવતા યાત્રીઓને સોમનાથ સુધીની કોમ્પ્લિમેન્ટરી એરકન્ડિશન બસ સેવાનો લાભ

વેરાવળ, અમદાવાદ, તા.29 : સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયત્નથી 29મીના મંગળવારે-ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્યાંથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાના શ્રીગણેશ કરાયા છે.

અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે જ્યારે કેશોદથી બપોરે 13:15 વાગ્યે ફલાઇટ ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.  હવે સોમનાથ મહાદેવના શ્રદ્ધાળુઓ અને સાસણ ગીરની મુલાકાતે આવનાર યાત્રિકો માટે હવે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. અમદાવાદથી કેશોદ સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ધનતેરસના પવિત્ર પર્વે સોમનાથ મહાદેવના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વાતાનુકૂલિત પીક-અપ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભગવાન ભોલેનાથનું ભવ્ય મંદિર સોમનાથ આવેલું છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથ ખાતે આવેલું છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શને આવતા હોય છે ત્યારે અમદાવાદથી કેશોદની વિમાની સેવાથી ભાવિકોને રાહત પહોંચશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક