જામનગર, તા.30 : જામનગરમાં મહાપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાએ પોલીસને સાથે રાખીને જાહેર માર્ગ ઉપર દબાણ સર્જતા રેંકડી, પથારા અને દુકાનવાળાઓ સામે જપ્તીની ઝુંબેશ શરૂ કરીને ટ્રાફિક અને આવન-જાવન માટે માર્ગ ખુલ્લો કરાવવા અને એનઓસી વગર ફટાકડા વેંચતા ધંધાર્થીઓના ફટાકડાનું વેચાણ બંધ કરાવવા કામગીરી કરતા બર્ધનચોકથી ખંભાળિયા ગેઈટ, દિગ્જામ પ્લોટ ચોકી સુધી અફરા-તફરી મચી ગઈ હતી.
જામનગર મનપાની એસ્ટેટ શાખા અને પોલીસ સ્ટાફે દરબારગઢથી બર્ધનચોક, લીંડી બજારથી સિંધી માર્કેટથી માંડવી ટાવરથી હવાઈચોક, ખંભાળિયા ગેઈટથી દિગ્જામ પ્લોટ પોલીસ ચોકી સર્કલ સુધી ડ્રાઈવ યોજીને દોઢ-બે કલાકમાં 8 રેંકડી, 18 પથારાની સામગ્રી તેમજ કપડાની દુકાનો તેમજ બર્ધનચોક જેવા વિસ્તારોમાં લાયસન્સ વગર ફટાકડા વેંચતા 3 વેપારીના વેચાણ બંધ કરાવ્યા હતા. આ વેળાએ એક વેપારીએ ફોનમાં વાત કરાવું તેમ કહેતા પીએસઆઈએ કડક ભાષામાં કાયદાના પાલનની ચિમકી આપી હતી. તંત્રની આ કામગીરીથી ટ્રાફિકની બગડેલી સ્થિતિ થોડીવાર માટે સુધરી ગઈ હતી. પછી ક્રમશ: ફરી વ્યવથા ખોરવાઈ જતી જોવા મળી હતી.