• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

જૂનાગઢમાં પ્રથમ વખત એકસાથે સાત અંગોનું દાન : સાત દર્દીઓને જીવનદાન

ત્રણ કલાકમાં ત્રણ વખત ગ્રીન કોરિડોર, લોકોએ સલામી આપી વંદના કરી

જૂનાગઢ, તા.31: જૂનાગઢમાં વર્ષના અંતિમ દી’ને સૌ પ્રથમ વખત એક સાથે સાત અંગોનું દાન કરી, મૃતકના પરિવારે સાત દર્દીઓને જીવનદાન આપ્યું છે. પોલીસના સહયોગથી ત્રણ કલાકમાં ત્રણ વખત ગ્રીન કોરિડોર કરી અંગોને કેશોદથી અમદાવાદ મોકલાયા હતા. આ અંગોને ગ્રીન કોરિડોર વચ્ચે એમ્બ્યુલન્સમાં લઇ જવાતા લોકોએ સલામી આપી વંદના

કરી  હતી.

વિગત પ્રમાણે અહીંના ઝાંઝરડા રોડ ઉપર આવેલય હરિઓમનગરમાં રહેતા શીલાબેન ઉમેશભાઇ ચાંચડિયા (ઉં.વ.43)ને પક્ષઘાતનો હુમલો આવતા પરિવારજનોએ ઝાંઝરડા ચોકડી ખાતે ડો. આકાશ પટોળિયાની રીર્બ્થ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરોએ તપાસી સારવાર શરૂ કરી હતી પણ પ્રયાસો કારગત ન નિવડતા અંતે મહિલાનું મૃત્યુ થયું હતું.

ડો. પટોળિયાએ મૃતકના પરિવારજનોને જાણ કરી કહ્યું કે, આપણે સ્વજન ગુમાવ્યા પણ કોઇ માટે જીવનદાન માટે ઓર્ગન ડોનેશન કરી શકાય તેમ છે આ વાત મૃતકના પરિવારજનોએ સ્વિકારી હતી. આ સાથે હૃદય, ફેંફસા, કીડની, આંખો માટે યુ.એન. મહેતા સહિતની હોસ્પિટલોએ તૈયારી દર્શાવી હતી અને આ માટે વિવિધ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ગ્રીન કોરિડોર માટે પોલીસને જાણ કરતા તેઓએ માનવતાના કાર્ય માટે તૈયારી દર્શાવી હતી.

આ અંગે રીર્બ્થ હોસ્પિટલના ડો. આકાશ પટોળિયાએ જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં આ ત્રીજું અંગદાન થયું છે પણ હૃદયનું જૂનાગઢમાં પ્રથમ વખત દાન થયું છે. શીલાબેનના સાત અવયવોથી સાત દર્દીઓને જીવતદાન મળશે. આ અંગોમાં હૃદય, ફેફસાનું સાંજ સુધીમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

ઝાંઝરડા ચોકડી નજીક હોસ્પિટલથી અંગો સાથે એમ્બ્યુલન્સ ગ્રીન કોરિડોર વચ્ચે પસાર થતા, રસ્તાની બન્ને બાજુ લોકો કતારમાં ગોઠવાય સલામી સાથે ભાવ વંદના વ્યકત કરતા નજરે પડયા હતા અને સાત-સાત અંગોનું દાન કરનાર પરિવારની પ્રશંસા થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક