રાજકોટ,
તા.3 (ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્રમાં ડુંગળીની સીઝન એક-સવા માસથી પૂરબહારમાં છે. સરેરાશ
દોઢથી બે લાખ ગુણી વચ્ચે આવક થાય છે છતાં મહુવાના ડિહાઇડ્રેશન એકમોમાં ચમક નથી કારણકે
તાજી ડુંગળીના ભાવ નીકળતી સીઝને ખૂબ ઉંચા છે. ખૂલ્લા બજારમાં લોકલ તથા નિકાસની ખરીદી
વિરાટ છે એટલે ભાવ ઘટતા નથી. ઉંચા ભાવ ડિહાઇડ્રેશન એકમોને પોસાય તેવા નથી એટલે કારખાનાઓ
બંધ છે. જોકે પંદરથી વીસ દિવસમાં ડિહાઇડ્રેશન યુનિટોમાં ધમધમાટ વધશે.
મહુવા
પંથકમાં આશરે 150 જેવા ડિહાઇડ્રેશન બનાવતા યુનિટસ છે. તમામ યુનિટસ બંધ છે. મહુવાના
અગ્રણી ઉત્પાદક વિઠ્ઠલભાઇ કોરડિયા કહે છેકે, થોડાં દિવસ પૂર્વે ડુંગળી સસ્તી થતા ચારથી
પાંચ યુનિટો શરૂ થયા હતા. જોકે પોસાણ ન થતા તરત બંધ કરી દેવા પડયા હતા. હવે ડિહાઇડ્રેશનના
બધા યુનિટસ બંધ છે. એમાં ઉત્પાદન નથી. તેમણે કહ્યું કે ડુંગળીનો ભાવ મણે રૂ. 275-300ની
રેન્જમાં આવી જાય ત્યારે પોસાણ થાય. લગભગ પંદરથી વીસ દિવસમાં યુનિટસ શરૂ થઇ જાય એવી
ધારણા છે.
ડુંગળીના
ભાવ સૌરાષ્ટ્રભરમાં મણ દીઠ રૂ. 300-490 સુધી સારા માલમાં બોલાય છે. ગુરુવારથી બજારમાં
ઘટાડો આવવાનું શરૂ થયું છે પણ સારો માલ રૂ. 300ની નીચે જાય તો કારખાનામાં ધીરે ધીરે
ધમધમાટ થશે. તેમણે ઉમેર્યું કે, ચોમાસુ ડુંગળીનું વાવેતર ખૂબ સારું છે એટલે આવક હજુ
વધવાની છે. જોકે વીસેક દિવસમાં રોપલીની આવક પણ શરૂ થઇ જશે ત્યારે ડુંગળીના ઢગલાં થવાના
છે. બે મહિનાથી સારો ભાવ મળી રહ્યો હોવાથી વાવેતર રેકોર્ડબ્રેક છે.
વિઠ્ઠલભાઇ
ઉમેરે છેકે, ડિહાઇડ્રેશનમાં જૂના માલનો સ્ટોક આશરે 10 હજાર ટન જેટલો પડયો છે. એમાંથી
પાંચ હજાર ટન વપરાઇ જશે. જોકે એ પછી ચાલશે નહીં. ખપત અત્યારે ઠીક ઠીક છે અને માલ જૂનો
થઇ જતા ભાવ કિલોએ રૂ. 15-20 ઘટી ગયા છે. કિબલનો ભાવ પ્રતિ કિલો રૂ. 155 સુધી વધ્યો
હતો તે ઘટીને રૂ. 135 અને પાઉડરનો ભાવ રૂ. 140 થયો હતો તેના રૂ. 125 બોલાય રહ્યા છે.
તાજી
ડુંગળીમાં અત્યારે નિકાસના કામકાજો સારાં છે. નિકાસ પર 20 ટકા જકાત લાગે છે છતાં સફેદ
અને લાલની માગ વિશ્વબજારમાં સારી છે. લોકલ માગ પણ શિયાળાની ઠંડી છતાં સારી દેખાય છે
એટલે ખેડૂતોને ઉંચો ભાવ મળી રહ્યો છે. ચોમાસુ પાક મગફળી કે કપાસની લાલચમાં પડયા વિના
ડુંગળીનું વાવેતર કર્યું હતુ તેવા ખેડૂતોને ખૂબ સારો ભાવ મળ્યો છે. ડુંગળીએ કમાણી કરાવી
આપી છે. જોકે નવા માલ બજારમાં આવતા જ ભાવ નબળા પડી જવાનું નક્કી દેખાય છે.