અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલના
આગોતરા જામીન અરજી પર સુનાવણી
અમદાવાદ,
તા.3: ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી વખતે
તેના વકીલે પીડિતોના પરિવારને વળતર આપવા તૈયારી દર્શાવી હતી.
અમદાવાદના
ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલના સંચાલક
કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કાર્તિક
પટેલના વકીલ અને સરકારી વકીલે વચ્ચે જબરદસ્ત દલીલ થઈ હતી. કાર્તિક પટેલના વકીલે દલીલ
કરી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જેમાં લોકોના જીવ ગયા હતા, જે થયું તે
દુ:ખદ છે પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે? મેડિકલ બેદરકારીના
કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કાર્તિક પટેલના વકીલે
સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો કરી હતી. ઉપરાંત
કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવવામાં આવી
છે.
બીજી
તરફ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી સામે સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા.
સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, અરજી કાર્તિક પટેલે નહીં પણ અન્ય વ્યક્તિએ કરી છે. હાલ, કાર્તિક પટેલ
ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. અરજી કેમ કરી તે અંગે પણ ઉલ્લેખ ન
હોવાથી ટકવા પાત્ર નથી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના
બે દર્દીઓના મોત નીપજ્યા હતા. હોસ્પિટલ સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ
લેવાની લાલસામાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મુકવામાં
આવ્યા હતા. જેમાં ઓપરેશન બાદ બે દર્દીઓના મોત નીપજ્યા હતા.