• બુધવાર, 02 એપ્રિલ, 2025

મુખ્યમંત્રીનો એક્શન પ્લાન ન આવતા હીરાના કારીગરોની 30મીએ હડતાળ રત્નકલાકારોને મંદીમાં સહાયની જરૂર છે અને સરકારે સમય પસાર કર્યો, ભારે રોષ

સુરત, તા. 28 (ફૂલછાબ ન્યૂઝ) : રાજ્ય સરકારે બે દિવસમાં હીરાઉદ્યોગના રત્નકલાકારો માટે મંદીમાં સહાયનો એક્શન પ્લાન જાહેર કરવાની હૈયાધારણ દસેક દિવસ પૂર્વે આપી હતી. એક્શન પ્લાનની વાતો વચ્ચે હીરાના કારીગરોની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં અંતે મોંઘવારીમાં પગાર વધારાને લઈને હીરાના કારીગરોએ હડતાલનું હથિયાર ઉગામ્યું છે. 30મી માર્ચે રવિવારે હીરાઉદ્યોગમાં પગાર વધારાથી લઈને રત્નકલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવા સુધી માગ મામલે હીરાના કારીગરો હડતાલ પર જશે. 

મંદીને કારણે અનેક પરિવારોની આર્થિક સંકડામણ વધી છે. થોડા દિવસો અગાઉ રાજ્યભરના હીરા ઉદ્યોગના સંગઠનોએ એક થઈ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે બે દિવસમાં એકશન પ્લાન જાહેર કરવાની હૈયાધારણ આપી હતી. હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઇ નથી. હીરાના કારીગરોના સંગઠને કારીગરોની સમસ્યાને લઈને અગાઉથી જ 30મીએ હડતાલની જાહેરાત કરી હતી. આ દરમિયાન સરકારે એક્શન પ્લાન લાવવાની વાત કરતાં હડતાલની વાત ઠંડી પડી હતી પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત ન થતાં 30મીએ હીરાના કારીગરો હડતાળ પાડશે.  

અગાઉ સરકારે ચાર સભ્યની એક કમિટી બનાવી છે. કારીગરોની સમસ્યાને લઈને રિપોર્ટ કરશે તેવી વાત સામે આવી હતી. સમિતિએ કોઈ રીપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કર્યો હોય તેવી માહિતી નથી. હીરાના કારીગરો પાસે સતત કામ ઘટતું જાય છે, રોજગારી અને ઘર ચલાવવાના પ્રશ્નો છે.  

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરિયા કહે છે કે, કારીગરોના પ્રશ્ને અમે સરકારમાં ઘણા વખતથી રજૂઆત કરીએ છીએ. હજુ સુધી અમારી એકપણ માગ સ્વીકારી નથી. બે દિવસમાં એકશન પ્લાન બનાવવાની જાહેરાતની હૈયાધારણ અપાઈ હતી. જે મુદ્દે પણ કોઈ ઠોસ જાહેરાત થઈ નથી.  હવે હડતાળ જ ઉપાય છે.

રત્ન કલાકારોનો પગાર વધારા- હડતાલ મામલે લાગ્યા બેનરો 

30મીએ હીરાના કારીગરોની હડતાલને લઈને સુરતના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે. બેનરમાં રત્નકલાકારોના પગાર અને ભાવવધારા તથા સરકાર રત્નકલાકારોને આર્થિક રીતે મદદ કરે તે માટે હડતાલનું આહ્વાન કરાયું છે. 30મીએ કારીગરોની રેલી યોજાશે અને રેલીમાં જોડાઈ સ્વયંભુ રત્નકલાકારોએ કામે ન નવું તેવી અપીલ કરાઈ છે. 30મીએ કતારગામ દરવાજાથી રેલી શરૂ થશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક