દર્દીઓની હાલાકી વધશે: હદયરોગની
સારવારના દર સરકારે ખૂબ નીચાં જાહેર કરતા તબીબોએ એલાન આપ્યું
રાજકોટ, તા.29(ફૂલછાબ ન્યૂઝ)
: ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હૃદયરોગની સારવાર 1થી 7 એપ્રિલ સુધી
બંધ પડી જાય તેમ છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમે સરકારના ખૂબ નીચાં
દર અને નિયમોની જાહેરાતના વિરુદ્ધમાં આ નિર્ણય કર્યો છે. હૃદયરોગ સંબંધી ઇન્ટરવેન્શનલ
કાર્ડિયોલોજી ગણાતી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને પેસમેકર મૂકવા જેવી પ્રક્રિયાઓ
આ ગાળામાં નહીં થઇ શકે એમ જાણવા મળે છે.
સરકારે તાજેતરમાં ભાવ ઘટાડયા છે એટલે હવે કામગીરી
શક્ય નથી તેમ સંગઠને કહ્યું હતું. સરકાર ઘટતું ન કરે તો દર્દીઓ મુસિબતમાં મુકાય જશે.
અલબત્ત તબીબો દ્વારા મુખ્યપ્રધાનને મળીને આ મુદ્દે વિસ્તૃત રજૂઆત કરવા માટે તજવીજ શરૂ
થઇ છે.
ગુજરાતમાં હૃદયરોગનું પ્રમાણ
વધી રહ્યું છે. પીએમજેએવાય હેઠળ દર્દીઓની સારવાર મોટી સંખ્યામાં થાય છે. જોકે હવે સરકાર
અને તબીબો વચ્ચે ભાવ બાબતે તકરાર થતાં સેવા સાત દિવસ માટે અટકાવવાનું એલાન અપાયું છે.
સંગઠને કહ્યું કે, હદય સંબંધી
સારવારનું ખર્ચ વધી રહ્યું છે. સરકારે અગાઉથી નીચાં દર રાખેલા છે. એમાં તાજેતરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાવ તળિયાના
દરથી દર્દીની સુશ્રૃષા શક્ય નથી.પાછલા દસ વર્ષમાં પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન
માટેનો દર માત્ર 1.2% વધ્યો છે, જ્યારે ગુજરાતમાં સરેરાશ મોંઘવારી 6.5 ટકા વધી છે.
ભાવની અસમાનતા બાબતે રાજકોટ જિલ્લા
કલેક્ટર ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં ફોરમ દ્વારા 20મી માર્ચથી સતત વિસ્તૃત રજૂઆતો કરીને
રાજ્ય સરકાર સુધી પડઘો પાડવામાં આવ્યો હતો. જોકે સરકાર તરફથી દસ દિવસે પણ કોઇ પ્રત્યુત્તર
ન મળતા હવે હડતાળનું શસ્ત્ર ઉગામાયું છે.
તબીબોની માગ છેકે સરકારની યોજના
હેઠળ કાર્ડિયોલોજી પેકેજોમાં સુધારણા કરવી
જોઇએ અને વાજબી દરો આપવા જોઇએ. હાલના દર મુજબ સેવા આપવી શક્ય નથી. વળી સ્થળ ઉપર કાર્ડિયો
વાસ્ક્યુલર થોરાસિક સર્જનની ફરજિયાત હાજરીનો નિયમ પણ વ્યાજબી નથી અને અવ્યવહારુ છે.
સરકાર નક્કર પગલાં ન લે તો દર્દીઓની હાલાકી વધી જવાની નિશ્ચિત છે.