‘રૂડા’ ની હદમાં 48 ગામ આવે છે પરંતુ નકલી નકશામાં કોઈએ 72 ગામો જોડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો
બિલ્ડર,
ડેવલપર્સ, આર્કિટેક્ટ, રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ તેમજ ગ્રામજનોમાં ચિંતા
અમારી
જમીનમાં પણ 40 ટકા કપાત આવશે કે કેમ ? તેવા સવાલો સાથે રૂડા કચેરીએ ફોન ધણધણવા લાગ્યા
રાજકોટ
તા.15 : રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની હદ વિસ્તારનો ‘બોગસ નકશો’ સોશિયલ
મીડિયામાં વાયરલ થતાં બિલ્ડર્સ, આર્કિટેક્ટ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકોની
સાથોસાથ જે ગામોને ખોટેખોટા હદમાં ભેળવી દેવામાં આવ્યાં છે ત્યાના ગ્રામજનોમાં પણ ફફડાટ
મચી ગયો છે. ક્યાંક અમારી જમીન તો 40 ટકા કપાતમાં નહીં જાયને ? તેવા ચિંતાજનક સવાલો
સાથેના ફોન રૂડા કચેરીએ ધમધમી ઉઠયાં છે. હરકતમાં આવેલા તંત્રએ પણ પોલીસનું શરણું લીધું
છે.
‘રૂડા’ની
હદમાં કાયદેસર રીતે 48 જેટલા ગામો આવે છે પરંતુ જે બોગસ નકશો વાયરલ થયો છે તેમાં કુલ
72 જેટલા ગામોને રૂડાની હદમાં શામેલ કરવામાં આવ્યાં છે. આ નકલી નકશો અને નકલી હદવધારો
વાયરલ થતાં બિલ્ડર, ડેવલપર્સ, આર્કિટેક્ટ, રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ અને જે ગામોને
રૂડામાં શામેલ કરાયાં છે ત્યાના ગ્રામજનો પણ ચિંતામાં મૂકાયા છે.
નવા
નકશામાં રાજકોટ, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો
છે તેમાં મોરબી રોડ ઉપરના કાગદડી, બેડી, હડાળા, પડધરીના અડબાલકા, ઉકરડા, ડુંગરકા, મોવિયા,
રામપર મોટા, ખંભાળા, ઢોકળીયા, ગોંડલ રોડ ઉપરના રીબડા, ગુંદાસરા, અરડોઈ, હડમતાળા, કોટડાસાંગાણી,
પીપળિયા, ભુણાવા, હિરાસર, રામપર બેટી, કુચિયાદળ, સાયપરનો સમાવેશ થાય છે.
આ નકલી
નકશો ફોરવર્ડેડ મીની ટાઈમ્સની નોટ સાથે અને રૂડા ન્યુ એરિયા મેપ એવા શિર્ષક સાથે 2.0
એમબીની પીડીએફ ફાઈલમાં વિવિધ વોટ્સઅપ ગ્રૃપમાં વાયરલ થયો છે. રૂડાના 48 વર્ષના ઈતિહાસમાં
ક્યારેય આવું બન્યું નથી. આ સમગ્ર ઘટનાક્રમે રૂડાની આબરૂ દાવ ઉપર મૂકી દીધી છે.
રૂડાના
સીઈઓ શું કહે છે ?
રૂડાના
ચીફ એક્ઝિક્યુટીવ ઓથોરિટી જી.વી.મિયાણીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નકલી
નકશામાં રૂડાના 48ને બદલે 72 જેટલા ગામો ભેળવી દેવામાં આવ્યાં છે જેમાં લોધિકા તાલુકા
સેન્ટરને પણ લઈ લેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ નકશો નકલી અને ગેરમાર્ગે
દોરનારો છે. હાલ નવા ગામોમાં ભેળવવાની કોઈપણ દરખાસ્ત હજુ કરવામાં આવી નથી. તેઓએ ભારપૂર્વક
જણાવ્યું હતું કે, આવો કોઈપણ નકશો સામે આવે તો રૂડા કચેરીએ વેરિફિકેશન અચૂક કરાવવું.
જે નકશામાં સાઈન-સિક્કા ન હોય તેને ક્યારેય માન્ય રાખવો નહીં. આ મુદ્દે તેમણે પોલીસનું
ધ્યાન દોરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
બિલ્ડર
એસો.શું કહે છે ?
રાજકોટ
બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નકલી નકશો
વાયરલ થવાની ઘટનાએ સાબીત કરી દેખાડયું છે, રૂડામાં કામગીરીના નામે લોલંલોલ જ ચાલે છે.
આ પ્રકારના નકશાઓ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને રૂંધી નાખે છે. ખાસ કરીને એવા ગામો જ્યાં
ઔદ્યોગિક વિકાસ આગળ ધપી રહ્યો છે તેઓને ભારે નુકસાન થાય છે. રૂડાની હદમાં આવતા ગામોમાં
સામાન્ય રીતે 40 ટકા કપાત લઈને પ્લાન મંજૂર થતાં હોય છે પરંતુ આવા બનાવટી નકશાઓ અન્ય
ગામોના લોકો કે જ્યાં માત્ર 10 ટકા જગ્યાં કોમન મૂકીને પ્લાન મંજૂર થાય છે તેઓની ચિંતા
વધારી દે છે. ક્યારેક જમીનોના નાના-મોટા સોદાઓ પણ અટકી જાય છે. જે પણ થયું છે તે ખૂબ
જ ખોટું થયું છે.