CIAનાં પૂર્વ અધિકારીનો સનસનીખેજ દાવો : આજ અથવા કાલે ત્રાટકી શકે છે અમેરિકી સેના
નવીદિલ્હી,તા.22:
અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાનાં પૂર્વ સીઆઈએ અધિકારી
જ્હોન કિરિયાકૂએ એક સનસનીખેજ દાવામાં કહ્યું છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાન ઉપર સૈન્ય હુમલાનો નિર્ણય કરી લીધો છે અને સોમ અથવા મંગળવાર એટલે કે તા.23
અથવા 24મીએ આ હુમલો થઈ શકે છે!
કિરિયાકૂએ
ખુલાસો કર્યો છે કે, વ્હાઈટ હાઉસમાં તાજેતરમાં જ એક ગુપ્તચર અધિકારીએ જાણકારી આપી હતી
કે, પ્રશાસન દ્વારા સાર્વજનિક રીતે આપવામાં આવેલી મહેતલ છતાં હુમલો તેની પહેલા થાય
તેવું બની શકે.
તેણે
આગળ કહ્યું હતું કે, ટ્રમ્પે ઈરાનને અમેરિકાનાં પ્રસ્તાવો સ્વીકારવા માટે 10 દિવસનો
સમય આપ્યો હતો અને તેમાં બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ બંધ કરવો, યુરેનિયમ સંવર્ધન રોકવું
અને હમાસ, હિઝબુલ્લા તથા હોથી જેવા મધ્યપૂર્વનાં સમૂહોને સમર્થન આપવાનું બંધ કરવા સહિતની
શરતો સામેલ હતી પણ આવી સમયસીમાઓ વાસ્તવમાં ધ્યાન ભટકાવવા માટે વપરાતી હોય છે. રાષ્ટ્રપતિ
10 દિવસ કે બે સપ્તાહનો સમય આપીને પછી હુમલો બે-ચાર દિવસમાં જ ઓચિંતા કરાવી નાખે છે.
આનાથી લોકો અસમંજસમાં રહી જાય છે.