• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

કોંગ્રેસ પહેલેથી જ નિર્વત્ર, કપડાં ઉતારવાની જરૂર શું હતી ? : મોદી

વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો અને તીક્ષ્ણ હુમલો

 

નવીદિલ્હી, તા.22 : દિલ્હી-મેરઠ રીજનલ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ(આરઆરટીએસ)નાં 82 કિ.મી.ના શેષ હિસ્સાનું ઉદ્ઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મેરઠની ભૂમિ ઉપરથી કોંગ્રેસ ઉપર અત્યાર સુધીનો સૌથી તીક્ષ્ણ હુમલો બોલાવ્યો હતો. દિલ્હીમાં આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા શર્ટ કાઢીને કરવામાં આવેલા અર્ધનગ્ન વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, વિદેશ મહેમાનોની મોજૂદગીમાં કોંગ્રેસના લોકો કપડાં ઉતારીને પહોંચી ગયા હતા. આનાં ઉપર તીખો કટાક્ષ કરતાં મોદીએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસ પહેલેથી જ વૈચારિક રીતે નિર્વત્ર હોવાનું દેશ પહેલેથી જાણે છે તો પછી તેમણે દુનિયા સામે કપડાં ઉતારવાની જરૂર શું પડી ? મોદીએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસનાં નેતાઓએ જે કર્યું તે દેખાડે છે કે દેશની સૌથી જૂની પાર્ટી વૈચારિક રીતે પૂરી રીતે દેવાળિયા અને દરિદ્ર થઈ ગઈ છે.

મોદીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે, વૈશ્વિક આયોજનને કોંગ્રેસે પોતાની ગંદી રાજનીતિનો અખાડો બનાવી નાખ્યું. એકબાજુ દેશવાસીઓ ભારતને વિકસિત બનાવવા માટે કામ કરે છે પણ દેશમાં કેટલાક રાજકીય દળ એવા છે જે ભારતની સફળતાને પચાવી શકતા નથી. ભારતમાં દુનિયાનું સૌથી મોટું એઆઈ સંમેલન થયું અને દુનિયાના 80થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ દિલ્હી આવ્યા. આખો દેશ ગર્વથી છલકાઈ ગયો પણ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમે ભારતનાં આ વૈશ્વિક આયોજનને પોતાની ગંદી અને નગ્ન રાજનીતિનો અખાડો બનાવી નાખ્યું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને મોદીથી નફરત છે અને તે મારી કબર ખોદવા માગે છે. મારાં માતાને ગાળો આપવામાં પણ તે અચકાતા નથી. તેમને ભાજપ અને એનડીએનો વિશોધ છે પણ

કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે એઆઈ ગ્લોબલ સમિટ ભાજપનો સમારોહ નહોતો અને તેમાં ભાજપના કોઈ નેતા પણ મોજૂદ નહોતા. આ દેશનો, દેશનાં સન્માનનો કાર્યક્રમ હતો પરંતુ કોંગ્રેસે આમાં પણ મર્યાદાઓ લાંઘી નાખી. આખા દેશમાં કોંગ્રેસની આ નીતિરીતિ ઉપર થૂથૂ થઈ રહી છે પણ દુર્ભાગ્યથી આટલો જૂનો પક્ષ હોવા છતાં તેનાં નેતાઓ લાજવાને બદલે ગાજે છે. બેઈજ્જતી કરનારાઓની જયકાર કરી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું હતું કે, કોંગ્રેસની આવી હરકતોનો સિલસિલો એકધારો ચાલી રહ્યો છે. તેમણે સંસદમાં શું કર્યું હતું ? સંસદમાં પોતે કંઈ કરી શકતા નથી એટલે પોતાના સાથી દળોને પણ બોલવાનો મોકો નથી આપતા અને સંસદ ચાલવા દેતા નથી. આ બધાનું નુકસાન કોંગ્રેસના સાથી પક્ષોને પણ થાય છે. દિલ્હીમાં જે નગ્નતા દેખાડી તેનાથી તેનાં સાથી દળો પણ ચોંકી ગયા છે અને કોંગ્રેસથી અલિપ્ત રહ્યા છે. મોદીએ ભારતીય પરંપરાઓનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, આપણાં ગામડાંમાં જો કોઈ ઘરમાં લગ્ન હોય તો આખું ગામ તેને સફળ બનાવવામાં લાગી જાય છે. જેથી મહેમાનો એક સારી છબિ લઈને જાય પરંતુ કોંગ્રેસ આનાથી ઉલટા દેશને જ બદનામ કરવા ઉપર ઉતરી આવ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક