નિર્ણયને મને-કમને સ્વીકારી લોકોએ ભારે હૈયે પોતે જ પોતાન મકાન અને દુકાનને હથોડા તેમજ ડ્રાલિંગ મશીનથી તોડયા
રાજકોટ,તા.21
: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જાહેર રસ્તાઓ અને સરકારી જમીનો પર થયેલા ધાર્મિક દબાણોને
દૂર કરવા માટેની કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અમદાવાદમાં ચંડોળા, ઈસનપુર અને
વટવા તળાવમાં ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા. દ્વારકામાં પણ તંત્રએ
અનઅધિકૃત બાંધકામો રાતોરાત તોડી પાડયા હતા. હવે વારો રાજકોટનો છે, શહેરના જંગલેશ્વર
વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. જેમાં 1489 જેટલા મકાનો ઉપર
બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
રાજકોટ
મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં.
6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. 18 ફેબ્રુઆરીએ
મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી કે, 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં
આજી નદીના કાંઠે 1492 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે.
આ માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
જંગલેશ્વર
સહિતના વિસ્તારોમાં આજી નદી પટ્ટ તથા ટી.પી. રોડ પરના દબાણના 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશન
દ્વારા ફૂટ પેટ્રાલિંગ કરવામાં આવ્યું હતુ. દબાણકારોને ઘર-ઘરે જઈને બે દિવસની અંદર
મકાનો ખાલી કરવા સમજાવવામાં આવ્યાં હતા. જોકે આજે જાણે લોકોએ પણ આ નિર્ણયને મને-કમને
સ્વીકારી લીધું હોય તેવું લાગતું હતું અને અનેક લોકો ભારે હૈયે જાતે જ પોતાના મકાન
અને દુકાનને હાથોડા તેમજ ડ્રાલિંગ મશીનથી તોડતા અને પાડતા જોવા મળ્યા હતાં.
મ્યુનિ.
કમિશનર તુષાર સુમેરાએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, જંગલેશ્વરમાં અત્યાર સુધીમાં
1498માંથી 102થી વધુ આવાસ ખાલી થઈ ચુક્યા છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા જોઈન્ટ કંટ્રોલરૂમ
બનાવવામાં આવ્યો છે. હવે જે કામગીરી થશે તે અહીંથી જ મોનિટર કરવામાં આવશે. જંગલેશ્વરમાં
નાની શેરીઓ હોવાથી ત્યાં ડિમોલિશનની પ્રક્રિયા કરવી થોડી મુશ્કેલ છે. જેથી ટેકનિકલી
આ કામગીરી કરી રહ્યા છીએ. ડિમોલિશન બાદ ટીપી રોડ બનાવવાની કામગીરી શરૂ થશે. જોકે વૈકલ્પિક
આવાસો બાબતે મ્યુનિસિપલ કમિશનરે મૌન સેવ્યું હતુ.
ડિમોલિશન
પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોર્પોરેશનની 7 ટીમ સાથે રાજકોટ
શહેર-જિલ્લા સિવાય સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડેક્શન
ફોર્સ, એસઆરપી, આરએએફ, મહિલાઓની સી ટીમ સહિતના જવાનો તૈનાત રહેશે. અલગ-અલગ જિલ્લાઓમાંથી
વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેની કાળજી
લેવામાં આવશે. કોર્પોરેશનની સાત ટીમ સાત ઝોનમાં છે, પોલીસ, ક્રાઇમ તેમજ સ્પેશિયલ ઓપરેશન
ટીમો પણ કાર્યરત છે. શાંતિ પૂર્ણ રીતે ડિમોલિશન થાય તે માટેનો પ્રયાસ છે.