કેમિકલવાળું ડ્રગ્સ પકડાયાના અઠવાડિયાની અંદર જ હવે સિગરેટ મળતા સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી
પોરબંદર, તા. 22: પોરબંદર થી 140 નોટિકલ માઈલ દૂર
દરિયામાં કેમિકલવાળું ડ્રગ્સ મળ્યાના અઠવાડિયાની અંદર જ હવે દ્વારકાના દરિયામાં
115 નોટિકલ માઈલ દૂર ઈરાનની બોટમાંથી એક લાખ પેકેટ વિદેશી સિગરેટ મળી આવી છે. જેની
અંદાજીત કિંમત 2.5 કરોડથી પ કરોડ રૂપિયા છે. આ સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા જહાજમાં
રહેલા ઈરાન દેશના ચાર ઈસમોને પકડીને પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ દેવભૂમિ
દ્વારકાથી આશરે 115 નોટિકલ માઈલ દૂર પશ્ચિમ દિશામાં ભારતીય જળસીમાની અંદર એક શંકાસ્પદ
વિદેશી બોટને આંતરીને કરોડો રૂપિયાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા એજન્સીઓને
એક અજાણી બોટની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્તચર બાતમીના આધારે
આ બોટને અટકાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમુદ્રમાં પીછો કર્યા બાદ સુરક્ષા
દળોએ બોટને ઘેરી લીધી હતી અને તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વિદેશી જહાજનું
નામ ’અલ મુખ્તાર’ છે. આ બોટમાં કુલ ચાર ઈરાની નાગરિકો સવાર હતા. ભારતીય જળસીમામાં કોઈપણ
અધિકૃત પરવાનગી વગર પ્રવેશવા બદલ અને શંકાસ્પદ ગતિવિધિ બદલ ચારેય ક્રૂ મેમ્બરોની અટકાયત
કરી તેમને પોરબંદર લાવવામાં આવ્યા છે. તેમની પાસેથી બોટના દસ્તાવેજો અને હેતુ સહિત
જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ’જોઈન્ટ ઈન્ટરોગેશન’હાથ ધરાયું છે. જહાજનું ફોરેન્સિક પરીક્ષણ પણ કરવામાં આવી શકે છે.
5 કરોડની વિદેશી સિગારેટ જપ્ત
સુરક્ષા
એજન્સીઓએ ’અલ મુખ્તાર’ જહાજનું ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે જહાજના
હોલ્ડ (નીચેના ભાગ) માં ગુપ્ત રીતે છુપાવેલા 200 જેટલા કાર્ટૂન મળી આવ્યા હતા. આ કાર્ટૂનમાંથી
આશરે 1,00,000 એક લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં
આ પ્રતિબંધિત જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડ થી 5 કરોડની હોવાનું અનુમાન છે.
સુરક્ષા
એજન્સીઓના મુખ્ય સવાલો
તપાસ
એજન્સીઓ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સિગારેટનો જથ્થો કયા દેશમાંથી લાવવામાં
આવ્યો હતો? ગુજરાતના દરિયાકાંઠે આ માલ કોને ડિલિવર કરવાનો હતો? શું આ દાણચોરી પાછળ
કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે? શું આ બોટમાં અન્ય કોઈ વાંધાજનક
વસ્તુઓ કે કેફી દ્રવ્યો છુપાવવામાં આવ્યા હતા?