ટ્રમ્પનાં અંગત આવાસ માર-એ-લાગોનાં પરિસરમાં શોટગન અને પેટ્રોલ બોમ્બ લઈને ઘૂસ્યો હતો હુમલાખોર: સીક્રેટ સર્વિસે કર્યો ઢેર
નવીદિલ્હી,તા.22:
અમેરિકાનાં ફ્લોરિડાનાં વેસ્ટ પામ બીચમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં માર-એ-લાગો
અંગત આવાસનાં પરિસરમાં સુરક્ષાનાં ગંભીર ઉલ્લંઘનની ઘટના બની હતી. આ સુરક્ષિત ક્ષેત્રમાં
શોટગન અને પેટ્રોલ બોમ્બ સહિતનો હથિયારબંધ શખસ ઘૂસી ગયો હતો અને સીક્રેટ સર્વિસ સહિતનાં
સુરક્ષામાં તૈનાત અધિકારીઓએ આ ઘૂસણખોરને ગોળીઓ ધરબીને ઠાર કરી નાખ્યો હતો. આ ઘટનાને
પગલે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બની ત્યારે આવાસમાં સીક્રેટ સર્વિસ સુરક્ષા પ્રદાન
કરતી હોય તેવી કોઈ વ્યક્તિ હાજર નહોતી. તેમ છતાં એફબીઆઈ, સીક્રેટ સર્વિસ અને પીબીએસઓએ
આ ઘટનાની ઉંડી તપાસ હાથ ધરી છે.
વધુ
જાણકારી અનુસાર ટ્રમ્પના રિસોર્ટના નોર્ટ ગેટ પાસે એક કાર બહાર નિકળી રહી હતી. આ સમયે
સંદિગ્ધ યુવક શોટગન અને ફ્યૂલ કેન લઈને અંદર ઘુસવાની કોશિશ કરી હતી. સીક્રેટ સર્વિસના
બે એજન્ટે તેને રોક્યો હતો અને હથિયાર તેમજ કેન નીચે રાખી દેવા કહ્યું હતું. યુવકે
કેન નીચે રાખ્યું પણ શોટગન ગોળી ચલાવવાની સ્થિતિમાં ઉપાડી લીધી હતી. ત્યારબાદ સુરક્ષા
કર્મચારીઓએ ગોળી ચલાવી હતી અને શખસ ઠાર થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શખસના પરિવારે
થોડા દિવસ પહેલા તેના લાપતા થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. તે નોર્થ કેરોલિનાથી સાઉથ
તરફ આવ્યો હતો અને રસ્તામાં શોટગન ખરીદી હતી. તેની કારમાંથી બંદૂકનો ડબ્બો મળી આવ્યો
હતો.
અમેરિકી
સીક્રેટ સર્વિસ દ્વારા બનાવ અંગે નિવેદન આપતા કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના
માર એ લાગો રિસોર્ટના ઉત્તરી ગેટ પાસે વ્યક્તિને જોવામાં આવ્યો હતો. જે પોતાની સાથે
એક શોટગન અને ઈંધણ ભરેલો ડબ્બો લઈને આવ્યો હતો. આ દરમિયાન સીક્રેટ સર્વિસ એજન્ટો અને
પીબીએસઓના ડેપ્યુટીએ સંદિગ્ધનો સામનો કરતા ગોળી ચલાવી હતી. આ ઘટનામાં એજન્ટ કે કર્મચારી
ઘાયલ થયા નથી. સીક્રેટ સર્વિસે કહ્યું હતું કે, યુવકના સંદિગ્ધ વ્યવહારના કારણે સુરક્ષા
એજન્સીએ તાકીદે પ્રતિક્રિયા આપી હતી. યુવક દ્વારા પરિસરની સુરક્ષાને જોખમ હોવા બાદ
સુરક્ષા દળોએ તેને રોકવાની કોશિશ કરી હતી. જો કે સ્થિતિ તણાવ ભરેલી બનતા ગોળીબાર કરવામાં
આવ્યો હતો, જેમાં સંદિગ્ધ યુવકનું મૃત્યુ થયું હતું. બનાવ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસમાં હતા. સામાન્ય રીતે ટ્રમ્પ પોતાના વીકએન્ડને
માર એ લાગો રિસોર્ટમાં વિતાવે છે.
આ ઘટના
બાદ એફબીઆઈ, યુએસ સીક્રેટ સર્વિસ અને પામ બીચ કાઉન્ટી શેરિફ કાર્યાલયે સંયુક્ત રીતે
બનાવની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓ દ્વારા ઉંડાણપુર્વક તમામ પુરાવા એકત્રિત કરવામાં
આવી રહ્યા છે. સીક્રેટ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પરિવારને સુચના
ન આપવામાં આવે ત્યાં સુધી મૃતક સંદિગ્ધની ઓળખ ગોપનીય રાખવામાં આવી છે.