• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

રાજકોટ યાર્ડમાં મજૂરોની વીજળિક હડતાળ બાદ સમાધાન : આજે હરાજી

મજૂર અને ઇન્સ્પેક્ટર સાથે બોલાચાલી બાદ ધોલધપાટ થતા મામલો બિચક્યો : મોડી સાંજે સમાધાન થઇ ગયું

રાજકોટ,તા.15 (ફૂલછાબ ન્યૂઝ) ખરીફ પાકની ભરચક્ક મોસમ ટાણે રાજકોટ યાર્ડમાં મજૂરોએ વીજળીક હડતાળ પાડી હતી. યાર્ડના ઇન્સ્પેક્ટર અને મજૂરો વચ્ચે ગત મોડી રાત્રે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. બે મજૂરો સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ જતા મામલો બિચક્યો હતો. જોકે એમાં મોડી સાંજે સમાધાન થઇ જતા આવતીકાલથી વિનાવિઘ્ને હરાજી થશે. અલબત્ત, આવકો બંધ કરવાની સૂચના અપાઇ હતી એટલે આવતીકાલે હરાજીમાં પડતર પુરવઠો જ મૂકાશે.

યાર્ડમાં વેચાણ માટે આવેલો માલ ચોક્કસ જગ્યાએ ઉતારવા બાબતે ઇન્સ્પેક્ટર સાથે મજૂર સાથે બોલાચાલી થઇ હતી. ઇન્સ્પેક્ટરે મજૂરને ઠપકો આપ્યો હતો. એ પછી ગાળાગાળી થઇ હતી અને મામલો ધોલધપાટ સુધી પહોંચી જતા યાર્ડમાં હરાજીનું કામકાજ ટલ્લે ચડી ગયું હતુ તેમ ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું હતુ. તેમણે કહ્યું કે, આ ઘટનાક્રમ વચ્ચે સવારે સોયાબીન અને કપાસ સહિત કેટલીક ચીજોની હરાજી થઇ હતી. અલબત્ત બે મજૂરો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. યાર્ડમાં આ ઘટના પછી ચકચાર મચી જતા બધી જણસોમાં હરાજી શક્ય બની ન હતી. તમામ મજૂરો હરાજી અને ગ્રાઉન્ડમાં પડેલો માલ ખસેડવા રાજી ન થઇને હડતાળ પર ઉતરી ગયા હતા.

હડતાળને લીધે માલ ખસેડવાનું શક્ય બન્યું ન હતું. જોકે તેના લીધે યાર્ડે નવી આવક ન કરવાની સૂચના આપી દીધી હતી. અલબત્ત, મજૂરો અને ઇન્સ્પેક્ટર વચ્ચે સમાધાન માટે વાટાઘાટો ચાલુ હતી અને મોડી સાંજે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતુ. આવતીકાલથી હરાજીનું કામકાજ ફરીથી શરૂ થશે. અલબત્ત, માલની આવક હળવી થઇ જાય એવી શક્યતા છે.

મજૂરો અને યાર્ડના સત્તાવાળાની સાતે ઇન્સ્પેક્ટરની બેઠક મળી હતી. જેમાં હળીમળીને કામકાજ કરવા માટે વાટાઘાટ થઇ હતી અને હરાજી શરૂ કરી દેવાનું નક્કી થયું હતું.

દિવાળીનો તહેવાર માથે છે ત્યારે ખેડૂતો કપાસ અને મગફળીનો પાક વેચીને રોકડાં નાણાં મેળવી રહ્યા છે. હરાજી બુધવારે ડિસ્ટર્બ થઇ જતા ટર્નઓવરને ધક્કો લાગ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક