• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

દિવાળીથી દિવાળી : સીંગતેલ સાવ સસ્તું : સોના-ચાંદી મોંઘાદાટ

નિલય ઉપાધ્યાય

રાજકોટ, તા. 16(ફૂલછાબ ન્યૂઝ) : ખાદ્યતેલ, અનાજ-કઠોળ સહિતની ચીજોની મોંઘવારીને બ્રેક લાગી ગઇ છે એટલે મધ્યમ અને નાના વર્ગે આ દિવાળીએ રાહતનો શ્વાસ લીધો છે. રોજબરોજ વપરાશમાં આવતી ચીજોના ભાવમાં મોટી ઉથલપાથલ થઇ નથી. ગઇ દિવાળીથી ચાલુ વર્ષની દિવાળી સુધીમાં સૌથી વધુ માં થયાં હોય તો તે સોના-ચાંદી છે, જેની ચર્ચા ચારેકોર છે. દૂધના ભાવ ધીમા પણ નિરંતર વધતા જાય છે. બીજી તરફ ક્રૂડ તેલ સસ્તું હોવા છતાં લોકો પેટ્રોલ અને ડિઝલમાં ઉંચા ટેક્સને લીધે ભારતીયો વધુ દામ ચૂકવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે અનેક ચીજવસ્તુઓના જીએસટી દરમાં ઘટાડો કર્યો છે. જીએસટીના સરળીકરણને લીધે લોકોને થોડી રાહત થઇ છે પણ મોંઘવારીનો રામબાણ ઇલાજ પેટ્રોલિયમનો જીએસટી છે. આ મુદ્દે સરકાર કોઇ કાર્યવાહી તત્કાળ કરવા તૈયાર નથી. ઇંધણો ભાવ વધારવામાં વધુ ફાળો આપતા હોય છે એટલે તેની ચર્ચા છે.  ખેર, ભારતવર્ષમાં વરસાદ ખૂબ સારો થયો છે. ખરીફ પાકમાં કપાસ, મગફળી, સહિત તેલિબિયાં અને કઠોળના ઉત્પાદન વધ્યા છે. એ જોતા નવા વિક્રમ વર્ષમાં ખાદ્યચીજો મોંઘી થવાની શક્યતા બહુ ઓછી છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં મગફળી અને સીંગતેલ ખૂબ મહત્વ ધરાવે છે. તેના ભાવ અત્યારે નીચાં છે અને નવા વર્ષમાં પણ વધવાની સંભાવના બહુ ઓછી છે. મગફળીનું ઉત્પાદન બે વર્ષથી મબલક થાય છે એટલે સીંગતેલનો ડબો રૂ. 2400 આસપાસ મળે છે અને વર્ષભર 5 ટકાથી વધુ મૂવમેન્ટ દેખાય એમ નથી. ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં સીંગતેલનો ડબો રૂ. 235 પ્રતિ 15 કિલો ઘટયો છે.

કપાસિયા તેલ, પામોલીન, મકાઇ તેલ, સૂર્યમુખી અને વનસ્પતિ ઘીના ભાવમાં પરચૂરણ વધઘટ થઇ છે. જે લોકોને નડે તેવી ન હતી.

કઠોળમાં ચણા, ચણાદાળ અને બેસન ઉપરાંત ઘઉંના ભાવ પણ વાજબી સ્તરે રહ્યા છે. મગના ભાવમાં પણ મોટાં તફાવત પડયા નથી. હવે ચણા અને ઘઉં વાવેતરની મોસમ દિવાળી પછી શરૂ થવાની છે. એમાં વાવેતર વિસ્તાર સારાં રહેશે તો ભાવ પણ જળવાઇ રહેશે.

સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર સોનું અને ચાંદી રહયા છે. વિશ્વ બજારની અસરથી સ્થાનિક બજારોમાં બન્ને ધાતુઓના ભાવ સળગી રહ્યા છે. સોનામાં 63 ટકા અને ચાંદીમાં 76 ટકાનો ભાવવધારો એક વર્ષમાં થઇ ચૂક્યો છે. અભૂતપૂર્વ તેજીને લીધે નવી ખરીદી અશક્ય જેવી બની ચૂકી છે. જોકે ઇન્વેસ્ટર વર્ગ હજુ સક્રિય છે અને જે લોકોએ સસ્તાંમાં ખરીદી કરી હતી તે વર્ગ આનંદિત છે. બન્ને ધાતુઓમાં નફારૂપી મોટી વેચવાલી પછી સુધારો આવવાની શક્યતા છે.

ખાંડના ભાવમાં મોંઘવારીનો પવન ફૂંકાયો છે. જોકે દૂધ દર વર્ષની માફક લીટરે રૂ. 2 મોંઘું થયું છે. જીએસટી ઘટ્યો તેનો લાભ પાકિંગવાળા દૂધને મળ્યો હોત તો લોકોને ફાયદો મળે તેમ હતુ. 

શાકભાજીમાં એક તબક્કે ડુંગળી મોંઘી થઇ ગઇ હતી. જોકે હવે ચિંતા નથી. બટાટાનું ઉત્પાદન પણ ઘણું થતા સ્ટોક છે એટલે નવા વાવેતર સુધી વાંધો આવે તેમ નથી. લસણના મોરચે મોંઘવારી હતી તે હવે રહી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક