કોર્ટે
આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : હજુ અનેક લોકોની ઓળખ અને તપાસ બાકી
બોટાદ
તા.15: બોટાદ જિલ્લામાં કડદા વિવાદને પગલે હડદડ ગામમાં થયેલા ભારે ઘર્ષણ અને પથ્થરમારાની
ઘટનાના અનુસંધાનમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ અત્યાર સુધીમાં કુલ
65 આરોપીઓને ઝડપી પાડીને કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેમાંથી 18 આરોપીઓના પોલીસ રિમાન્ડની
માગણી કરવામાં આવી હતી. કોર્ટએ આ અરજી સ્વીકારી 20 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યો,
જ્યારે બાકીના 47 આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલહવાલે મોકલ્યા છે.
બોટાદ
જિલ્લાનાં હડદડ ગામે ઘર્ષણની ઘટનામાં પોલીસે સક્રિય ભૂમિકા ભજવતા ગામમાં શાંતિ જળવાઈ
રહે તે માટે સતત પેટ્રાલિંગ શરૂ કર્યું છે. ઘટનાને પગલે ઘણા ખેડૂતો અને સ્થાનિક લોકોએ
પોલીસે નિર્દોષ લોકોની ધરપકડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પોલીસએ જણાવ્યું
છે કે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા
મુજબ આરોપીઓ સામે હિંસા, સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવી, જાહેર મિલકતને નુકસાન
પહોંચાડવા અને શાંતિ ભંગ કરવાના ગુના હેઠળ કાર્યવાહી થઈ રહી છે. આ કેસમાં હજુ અનેક
લોકોની ઓળખ અને તપાસ બાકી છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હિંસામાં ઉપયોગમાં લેવાયેલા
સાધનો, ભડકાવનાર વ્યક્તિઓ અને યોજના અંગે વધુ માહિતી મેળવવાની પોલીસની દિશામાં તપાસ
આગળ ધપશે. હાલ હડદડ ગામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ જળવાઈ છે, પરંતુ પોલીસ તંત્ર
સાવચેત છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યું છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ
કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી કોર્ટની કાર્યવાહી ચાલુ રહી હતી. જેમાં બોટાદ કોર્ટે
18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કમ્પાઉન્ડમાં આગેવાનો અને સગા સ્નેહી
પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.