મોડી રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજથી ધડાકો થતા ઘરમાં આગ પ્રસરતા મોટી દુર્ઘટના
અમદાવાદ,
તા.14: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગર પાસેના સત્યમ નગરમાં મોડી રાત્રે
એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થવાના કારણે લાગેલી ભીષણ આગમાં બે નિર્દોષ
લોકોએ જીવ ગુમાવ્યા છે. રાત્રે જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગી હતી
અને ત્યારબાદ ગેસનો બાટલો જોરદાર ધડાકા સાથે ફાટતાં દુર્ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું
હતું.
આ દુર્ઘટનામાં મકાનમાં હાજર એક યુવક અને
એક યુવતી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
થયું છે. આ ઉપરાંત, એક 40 વર્ષીય મહિલા પણ ગંભીર રીતે દાઝી જતાં હાલ હોસ્પિટલમાં જીવન-મરણ
વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ
તાત્કાલિક સત્યમ નગર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગેસ
સિલિન્ડર ફાટવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી,
જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો
ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર ટીમે અંદર ફસાયેલા યુવક, યુવતી અને બેભાન હાલતમાં
રહેલી મહિલાને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક
તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીક થવાને કારણે આગ લાગી અને
બાદમાં બાટલો ફાટતાં આગ ફેલાઈ ગઈ હતી.
બન્ને
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, મૃતકોમાં મહેવીશ નરેશભાઈ સોલંકી
(ઉંમર 22) અને લાલો નરેશ સોલંકી (ઉંમર 19)નો સમાવેશ થાય છે જ્યારે 42 વર્ષીય ભરતીબેનને
ગંભીર ઇજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે અને નારોલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત
મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.