• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પડધરી નજીક વોકળામાંથી પિતા-પુત્રની લાશ મળી

ઘર કંકાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક અનુમાન

રાજકોટ, તા.20 : રાજકોટ જિલ્લાના પડધરી નજીક વોકળામાંથી પિતા-પુત્રની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તા.16ના રોજ પિતા પુત્ર નીકળી ગયા બાદમાં બંનેના મૃતદેહ મળતા પરિવારમાં ભારે શોક છવાયો છે. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો.

પડધરીના ખોખરી ગામે ખેત મજૂરી કરી પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો.બનાવ અંગે પોલીસ માંથી મળતી વિગત મુજબ રાજેશ જુવાનાસિંહ ડાવર (ઉવ 27) અને અરૂણ રાજેશ ડાવર (ઉંવ 6) (રહે. બંને ખોખરી ગામ, અનિરૂદ્ધાસિંહ જાડેજાની વાડીએ, તા. પડધરી, જિ. રાજકોટ)ના મૃતદેહ ગઈકાલે સવારે 10 વાગ્યાં આસપાસ ખોખરી ગામ પાસેથી ઉંડ ડેમ નજીક વોકળામાંથી મળી આવ્યા હતા. જેની જાણ પડધરી પોલીસને થતા સ્ટાફ દોડી ગયો હતો. પહેલા મૃતકોની ઓળખ થઈ નહોતી. બાદમાં તપાસ કરતા મૃતકના પરિવારજનો મળી આવ્યા હતા અને તેમણે મૃતદેહોની ઓળખ કરી હતી. પોલીસ પુછપરછમાં જાણવા મળેલ કે, રાજેશ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હતો. અહીં પડધરી તાલુકાના ખોખરી ગામે અનિરૂદ્ધાસિંહ જાડેજાની વાડીએ પોતાની પત્ની રેણુબેન અને બે પુત્રો સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો. ગત તા.16 જાન્યુઆરીએ રાજેશે પત્ની રેણુ સાથે ઝઘડો કર્યો અને પોતાના  મોટા પુત્ર અરૂણને લઈ ઘરેથી નીકળી ગયો. અવાર નવાર આવું થતું એટલે પત્નીએ પોલીસને જાણ કરી નહોતી. જોકે ગઈકાલે ઘરેથી નીકળેલા પિતા - પુત્ર રાજેશ અને અરૂણની વોકળામાંથી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે બનાવ અંગે વધુ માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક