મગફળીનું
મબલક ઉત્પાદન છતાં સીંગતેલમાં બે વર્ષનો ઉંચો ભાવ : ડબો રૂ.2800ની નજીક, બારમાસી માગ
પૂર્ણ
રાજકોટ,
તા.22(ફૂલછાબ ન્યૂઝ): સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થવાથી સામાન્ય
વર્ગને સીંગતેલના ભાવ નીચા રહેશે તેવી આશા હતી. થોડો સમય નીચા રહ્યા પણ ખરા. જોકે બારમાસી
ઘરાકી પૂર્ણ થવાના સમયે જોરદાર તેજી થઈ જતા ડબાનો ભાવ બે વર્ષ બાદ ફરી રૂ. 2800એ પહોંચવા
આવ્યો છે. કાચા માલની અછત અને સીંગદાણામાં તેજીના પગલે સીંગતેલના ભાવમાં ભડકો થયો છે.
છેલ્લા એક પખવાડિયામાં જ ડબે રૂ.150નો ઉછાળો નોંધાતા સીંગતેલ ખાવુ મોંઘુ બન્યું છે.
આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી શક્યતા રહેલી છે.
ચાલુ
વર્ષે મગફળીનું જંગી 45 લાખ ટનનું ઉત્પાદન થયું હોવા છતા દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને
કારણે મગફળીની ગુણવત્તાને મોટી અસર પહોંચી હતી. જેને લીધે તેલ મિલરોને સારી ગુણવત્તાની
મગફળી મળતી ન હોવાથી પીલાણ ઉપર અસર પહોંચતા અને સામે ઘરાકીનો ટેકો મળતા ભાવમાં તેજી
જોવા મળી રહી છે. સીંગતેલ લૂઝ 10 કિલોનો ભાવ સીઝનમાં પ્રથમવાર રૂ. 1650 ઉપર પહોંચી
ગયો છે. જોકે મગફળીના ભાવ ઉંચા હોવાથી મિલોને સીંગખોળમાં સારી તેજી છતાં ડિસ્પરીટી
પડી રહી છે. સીંગખોળમાં તાજેતરમાં જ રૂ.400ની તેજી થઈ ચૂકી છે. બીજી તરફ ટેકાના ભાવની
ખરીદી ચાલુ હોય જેથી સારી ગુણવત્તાની મગફળી ટેકામાં જતી હોવાથી ખૂલ્લા બજારમાં મગફળીની
અછત વર્તાઈ રહી છે. હજુ 6 ફેબ્રુઆરી સુધી ટેકાની ખરીદી શરૂ રહેશે. જેથી 20-25 દિવસ
બાદ સરકારી મગફળી બજારમાં આવે ત્યાર બાદ ભાવ નીચા આવી શકે છે. જેથી આગામી દિવસોમાં
લૂઝનો ભાવ રૂ. 1700 સુધી જવાની શક્યતા બ્રોકરો બતાવે છે.
સીંગતેલમાં
ટૂંકાગાળામાં જ ડબે રૂ.150નો તોતિંગ ઉછાળો નોંધાતા સીંગતેલ ખાનારો વર્ગ અન્ય તેલ તરફ
વળવા મજબૂર બન્યો છે. ગત તા. 7 જાન્યુઆરીના સીંગતેલ 15 કિલોનો ભાવ રૂ. 2585-2635 હતો.
જે 15 દિવસમાં ઉંચકાઈને રૂ. 2735-2785ને આંબી ગયો છે. આગામી દિવસોમાં હજુ ડબો રૂ.
2850 સુધી વધે તો નવાઈ નહીં તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
બીજી
તરફ અન્ય તેલમાં પણ વૈશ્વિક અસરે ભાવ વધી રહ્યા છે. છેલ્લા પખવાડિયામાં કપાસિયા તેલમાં
રૂ.90, પામતેલમાં રૂ.55, સૂર્યમુખી અને મકાઈ તેલમાં રૂ. 120 અને સરસવ તેલમાં રૂ.
10નો વધારો થયો હતો.