માવઠાની
આગાહીથી સટ્ટોડિયાઓ સક્રિય : નવા પાક અંગેના ગણિત મંડાવાનું શરૂ
રાજકોટ,
તા.22(ફૂલછાબ ન્યૂઝ) : જીરુંમાં નવા પાકના આગમન પૂર્વે જોરદાર તેજી થઇ જતા ખેડૂતો મોટી
તેજી માટે આશાવાદી બની ગયા છે. ચાલુ વર્ષે વાવેતર 30 ટકા જેટલા ઓછાં થયાં છે અને હવામાનને
લીધે એમાં બગાડની પણ શક્યતા વધી છે ત્યારે હવે માવઠાની આગાહી થઇ હોવાથી સટ્ટોડિયાઓએ
જીરુંમાં મણે રૂ. 300 સુધીની તેજી કરી નાંખી છે. જીરુંના ટ્રેડરો અને નિકાસકારો હજુ
પાકના ગણિત ગણવાની મથામણ કરી રહ્યા છે ત્યાં તેજી થવાથી સૌ ચોંકી ગયા છે.
જીરૂના
વાયદામાં ચાર દિવસમાં રૂ. 1580 અર્થાત મણે રૂ.316ની તેજી થઇ ગઇ છે. વાયદો રૂ.
23550થી ઉંચકાઇને રૂ. 25,130ના સ્તરને સ્પર્શી આવ્યો છે. જે મોસમનું સૌથી ઉંચું સ્તર
છે. જીરૂની બજાર માટે મહત્ત્વની ગણાતી સીંગાપોર ક્વોલિટી 1 ટકા ફોરેન મેટર કંડીશનમાં
પણ રૂ. 300 કરતા વધારે તેજીમાં રૂ. 4800 પ્રતિ મણનો ભાવ થઇ ગયો છે.
ઉંઝાના
એક અગ્રણી વેપારી કહે છે, જીરુંના વાવેતર 30 ટકા જેટલા ઘટયા છે અને હવામાન-રોગચાળાની
ચર્ચા છે. વળી, 25મી તારીખ સુધી માવઠાની આગાહી હોવાને લીધે સટ્ટોડિયાઓએ બજાર ચગાવી
છે. જોકે હવામાન ઉપર આગળની તેજી કે ઘટાડાન આધાર રહેશે. અત્યારે હવામાન અંગે કોઇ સ્પષ્ટ
આગાહી નથી પરિણામે બજાર ખેંચાઇ છે. જોકે તેજીએ થાક પણ ખાધો છે.
જોકે
તેજી થવાને લીધે જીરુંનો જૂનો સ્ટોક ધરાવનારા ખેડૂતો અને સ્ટોકિસ્ટો માર્કેટ યાર્ડમાં
વધારે પુરવઠો ઠાલવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આવક વધીને 20-22 હજાર ગુણી સુધી પહોંચી
ચૂકી છે. આવકના આધારે ઘણો વર્ગ હજુ જૂના જીરૂનો સ્ટોક 15 લાખ ગુણી તો રહી જ જશે તેવી
ધારણા મૂકે છે. જ્યારે નવા પાક અંગે હજુ કાચો પાકો અંદાજ મૂકાય છે જે આશરે 65થી 85
લાખ ગુણી વચ્ચેનો છે. અલબત્ત, પાક અંગે કોઇ વર્ગ છૂટથી બોલવા તૈયાર નથી. પાક અંગે રાજસ્થાન
અને ગુજરાતમાં સર્વેક્ષણો ચાલી રહ્યા છે.
મોટાભાગનો
વર્ગ કહે છે, જીરુંના પાક માટે હવેનો સમય બહુ મહત્ત્વનો છે કારણકે વાતાવરણજન્ય ફેરફારો
પાક ઉપર થવાના હોય છે તે આ સમયે જ રહેતા હોય છે. માવઠું થાય તો મુશ્કેલી પડશે અને પાક
અંદાજ નીચો આવશે. જોકે ઠંડી સારી રહે અને ગરમ વાતાવરણ ન થાય તો હાલના મથાળેથી નવી તેજી
કરવા માટે સંઘર્ષ કરવો પડે તેમ છે.