-
બિયારણ ઉગાડતા ખેડૂતોને
અન્યાય : પહેલા હપ્તામાં જ ટેકાનો ભાવ ચૂકવી દેવા રજૂઆત
રાજકોટ,ગાંધીનગર,તા.20:
(ફૂલછાબ ન્યૂઝ) લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસે સરકારે રેકોર્ડબ્રેક ખરીદી ગુજરાતમાં
કરી લીધી છે. મગફળીનો કિસાન રાજી છે પણ ગુજરાત રાજ્ય બીજ નિગમ માટે મગફળી ઉગાડતા ખેડૂતને
પહેલા પાર્ટમાં ટેકા કરતા ઘણો નીચો ભાવ ચૂકવવામાં આવતો હોવાથી કિસાનોમાં નારાજગી ફેલાઇ
છે.વિલંબને લીધે આર્થિક સંકડામણમાં મૂકાતા કિસાનોએ નિગમના ડિરેક્ટર સહિત કૃષિપ્રધાને
પણ રજૂઆત કરી છે.
ભારતીય
કિસાન સંઘ પૂર્વ પ્રદેશ મહામંત્રી રમેશ ચૌધરી કહે છે, અનેક કિસાનો ગુજરાત રાજ્ય બીજ
નિગમ માટે સરકાર પાસેથી બિયારણ મેળવી, મગફળી ઉગાડીને બાદમાં વેંચતા હોય છે. જોકે એ
માટે ટેકાનો ભાવ પણ મગફળીનો જથ્થો આપ્યા પછી પહેલા પાર્ટમાં ચૂકવાતો નથી એ વાસ્તવિકતા
છે. એવું પણ નથી કે સરકાર બિયારણ મફત આપે છે. સરકાર હપ્તે હપ્તે કિસાનો પાસેથી બિયારણના
પૈસા વસૂલી લે છે. આમ છતાં પાર્ટ પેમેન્ટમાં પૂરો-ટેકા જેટલો ભાવ ન આપીને શોષણ કરવામાં
આવે છે.
અત્યારે
ખેડૂતોની મગફળી નિગમે જોખી લીધી છે પણ પ્રથમ પાર્ટમાં માત્ર રૂ. 1080 ચૂકવવાની વિચારણા
ચાલી રહી છે. લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 1452 છે. ખેડૂતોને અત્યારે રવી પાકો અને અન્ય
ખેતી સંબંધી ખર્ચા માટે નાણાની જરુરિયાત હોય છે ત્યારે પ્રથમ પાર્ટમાં ટેકાનો પૂરો
ભાવ ચૂકવીને નાણાકિય સહાયતા કરવી જોઇએ એવી માગ થઇ છે. બીજા હપ્તામાં તફાવતના પૈસા ચૂકવવા
જોઇએ. જોકે બન્ને પાર્ટના પેમેન્ટ મોડાં મોડાં થતા હોય કિસાનો આર્થિક ભીંસમાં મૂકાય
છે.
અગાઉની
સીઝનમાં રૂ. 1356નો ભાવ ટેકામાં નક્કી થયેલો હતો તેની સામે પ્રથમ પાર્ટમાં રૂ.
1130 ચૂકવાયા હતા. સરકાર રકમ તો ઓછી આપે છે પણ સાથે ચૂકવણીમાં પણ ખૂબ જ વિલંબ કરે છે.
બીજો પાર્ટ ચૂકવાય ત્યારે કિસાનોએ કરજ લઇ લીધું હોય છે.
રજૂઆતમાં
સાથે રહેલા એક કિસાને કહ્યું કે, અમે ગ્રાડિંગ કરીને સરકારી ગોદામમાં ગાંધીનગર ખાતે
જથ્થો પહોંચાડી દીધો છે. એનું ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ પણ અમારે ચૂકવવું પડયું
છે. નિગમ જથ્થો ખરીદે ત્યારે સેમ્પલીંગમાં સમય વ્યતિત થાય છે પરિણામે ખેડૂતોનો જથ્થો
ઘરે કે ગોદામમાં વાતાવરણને લીધે અસરગ્રસ્ત પણ થાય છે. અગાઉ મગફળી, ઘઉં કે ડાંગર બિયારણ
તરીકે નિગમ ખરીદે તો વિસ્તારથી બિલ મોકલવામાં આવતું હતુ તે બંધ કરી દેવાયું છે. નિગમે
ગ્રાડિંગ , સેમ્પલીંગ વખતનું વજન અને કેટલા ટકા ઘટ પડી તેનું વર્ણન પણ કરવું જોઇએ.
એ ઉપરાંત પૂરું પેમેન્ટ એકસાથે કરવું જોઇએ. માત્ર ટેકા કરતા વધારાના ભાવનું પેમેન્ટ
બીજા હપ્તા પેટે બાકી રાખવું જોઇએ.