• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

રાજ્યમાં ઘરયાદી-મકાનોની ગણતરી 20 એપ્રિલથી 19 મે દરમિયાન શરૂ થશે સ્વ-ગણતરી 5 એપ્રિલથી 15 દિવસના સમયગાળા દરમિયાન હાથ ધરાશે

ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લઈને વ્યવસ્થિત અને ગુપ્ત રીતે જરૂરી માહિતી એકત્રિત કરશે

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ,તા.13 : ભારત સરકારના 7 જાન્યુઆરીના જાહેરનામાના સંદર્ભમાં ગુજરાત સરકારે ઘરયાદી અને મકાનોની ગણતરીનો સમયગાળો ફરીથી સૂચિત કર્યો છે. 2 ફેબ્રુઆરીના જાહેરનામાં મુજબ રાજ્યમાં ક્ષેત્રીય કાર્ય 20 એપ્રિલથી 19 મે દરમિયાન હાથ ધરવામાં આવશે. તાલીમ પામેલા ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લઈને વ્યવસ્થિત અને ગુપ્ત રીતે જરૂરી માહિતી એકત્રિત કરશે. આ તબક્કામાં વ્યાપક ઘર-ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો અને સુવિધાઓ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલાં સ્વ-ગણતરી તા.5થી 19 એપ્રિલ સુધીના 15 દિવસના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે. જે ઘરયાદીની ક્ષેત્રીય કામગીરી પહેલા તરત જ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન લોકોને ડિજિટલ રીતે પોતાની માહિતી સબમિટ કરવાની તક મળશે, જેનાથી સહભાગિતામાં સરળતા રહેશે અને ડેટાની ચોકસાઈમાં સુધારો થશે. સરકાર દ્વારા કહેવાયું છે કે, જનગણના દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી માહિતી ચુસ્તપણે ગુપ્ત રાખવામાં આવશે અને જનગણના કાયદા હેઠળ ફરજિયાત રીતે આંકડાકીય હેતુઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. જનગણના અધિનિયમ 1948ની કલમ 4 અને જનગણના નિયમો 1990ના નિયમ 3ની જોગવાઈઓ અનુસાર ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય માટે જનગણના અધિકારીઓની નિમણૂંક અંગે એક જાહેરનામું બહાર પાડયું છે. આ નિમણૂંક થયેલા દરેક જનગણના કર્મચારીઓ પાસેથી સરકાર એવી અપેક્ષા રાખે છે કે, તેઓ રાજ્યભરમાં જનગણના ઘરયાદીની કામગીરી સરળ, સમયસર અને સચોટ રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તેમની ફરજો અત્યંત નિષ્ઠા, જવાબદારી અને સાવચેતીપૂર્વક બજાવે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026