• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ

સોમવારે ઔપચારિક જાહેરાત : મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું : કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.13 : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. આજે તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અહીં નોંધવું ઘટે કે, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનારી ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી છે.

પૂર્ણેશ મોદીને વહીવટી અનુભવ છે. તેઓ અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.તેઓને ગૃહનું સારું જ્ઞાન છે. વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર તેમની સારી પકડ છે, જે ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવામાં મદદરૂપ થશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનું મજબૂત સંગઠનાત્મક વર્ચસ્વ છે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પક્ષે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.

વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી હોવાથી પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત છે. જો વિરોધ પક્ષ કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે, તો પૂર્ણેશ મોદી બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી પ્રબળ શક્યતા છે. અલબત્ત, કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026