ઈઝરાયલની સંસદને મોદીનું સંબોધન,
લાગ્યા મોદી-મોદીના નારા : કેનસેટનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ કેનસેટ મેડલ’ એનાયત
નેતન્યાહુએ
કહ્યું, મોદી મિત્રથી વધીને ભાઈ : એરપોર્ટે કર્યું ઉમળકાભેર સ્વાગત
તેલ
અવીવ, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઈઝરાયલના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં
તેમનું બેંજામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને તેલ અવીવ એરપોર્ટે સ્વાગત કર્યું હતું.
બાદમાં પીએમ મોદીએ ઈઝરાયલી સંસદને સંબોધન કરીને ઈતિહાસ રચ્યો હતો. આ દરમિયાન સંસદમાં
મોદી મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયલની સંસદ કેનસેટને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું
કે ભારત શાંતિ દૂત છે અને ગાઝા શાંતિ પહેલનું સમર્થન કરે છે. આ સમજૂતી ક્ષેત્રમાં ન્યાયપૂર્ણ
અને સ્થાયી શાંતિની આશા જગાડે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈઝરાયલી સંસદ
કેનસેટના સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. મોદીને સ્પીકર ઓફ ધ કેનસેટ મેડલ
એનાયત થયો હતો. વડાપ્રધાન મોદીએ કેનસેટમાં
કહ્યું હતું કે છેલ્લા અમુક વર્ષથી ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહી
છે. ટૂંક સમયમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં સામેલ થશે. તેમણે કહ્યું હતું કે,
ભારતે બીજા દેશ સાથે ઘણા જરૂરી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું
હતું કે, ભારતની ટીમ એક મોટા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ઉપર વાતચીત માટે આકરી મહેનત કરી
રહી છે. ભારત દુનિયામાં ઈકોનોમી કોરિડોર બનાવી રહ્યું છે. ભારત માટે પુરી દુનિયા એક
પરિવાર છે.
વડાપ્રધાન
મોદીએ આતંકવાદ ઉપર વરસતા કહ્યું હતું કે તેઓ મુંબઈ હુમલા ભુલ્યા નથી અને સાતમી ઓકટોબરના
ઈઝરાયલ ઉપર હમાસનો હુમલો પણ ભુલ્યા નથી. આતંકવાદ મુદ્દે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ
રહ્યું છે. આતંકવાદ મુદ્દે બેવડું વલણ સ્વીકાર્ય નથી. ભારત ક્ષેત્રીય સ્થિરતા અને શાંતિના
પક્ષમાં છે. ભારત અબ્રાહમ અકોર્ડના સમર્થનમાં છે. ભારતમાં યહૂદી સમુદાય કોઈપણ ડર વિના
રહે છે .યહૂદી સમુદાયે ભારતને સમૃદ્ધ કર્યું છે. મોદીએ કહ્યું હતું કે, ભારત અને ઈઝરાયલનો
સંબંધ 2000 વર્ષ જુનો છે. વર્લ્ડ વોર એકમાં 4000 ભારતીય સૈનિકોએ હાઈફામાં શહીદી આપી
હતી. યહૂદી નરસંહારનો ઈતિહાસ કાળો છે. સંસદમાં સંબોધન દરમિયાન મોદીએ એમ પણ કહ્યું હતું
કે તેઓનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના એ દિવસે થયો હતો જ્યારે ભારતે ઔપચારિક રીતે ઈઝરાયલને
માન્યતા આપી હતી. શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન હોવાના
નાતે 1.4 અબજ ભારતીયોની મિત્રતાનો સંદેશ લાવ્યા છે.
ઈઝરાયલની
સંસદ કેનસેટમાં પીએમ મોદી પોતાનું સંબોધન શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે જોરદાર સ્વાગત
સાથે તેઓને સ્ટેડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું તેમજ મોદી મોદી નારા લાગ્યા હતા. ઈઝરાયલના
સ્પીકર આમિર ઓહાનાએ નમસ્તે મોદી સાથે કહ્યું હતું કે, ભારતે યહૂદીઓને પોતાનું ઘર આપ્યું
છે. તેમજ ભારત ધરતી ઉપર ઝડપથી વિકસતો દેશ છે.
નેતન્યાહુએ
પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, મોદી ઈઝરાયલના મહાન દોસ્ત છે. તેઓનું ઈઝરાયલમાં સ્વાગત
છે. મોદીનું ઈઝરાયલ આવવું ગર્વની ક્ષણ છે. મોદી તેમના માટે મિત્રથી વધીને ભાઈ છે.
આ અગાઉ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના પ્રવાસે તેલ અવીવ પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત
કરવામાં આવ્યું હતું. ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારાએ પોતે
તેલ અવીવના ગુરિયન એરપોર્ટે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું અને એરપોર્ટે જ ગાર્ડ ઓફ
ઓનર અપાયું હતું. પીએમ મોદી નવ વર્ષ બાદ ઈઝરાયલ પહોંચ્યા છે. આ પહેલા તેઓ 2017માં ઈઝરાયલ
ગયા હતા. મોદીના સંબોધન પહેલા ઈઝરાયલની સંસદને ત્રિરંગાની રોશનીમાં રંગવામાં આવી હતી.
જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.
ઈઝરાયલ
પ્રવાસે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને ઈઝરાયલ વચ્ચે મજબૂત રણનીતિક
ભાગીદારી છે. જેમાં છેલ્લા અમુક વર્ષમાં ઉલ્લેખનીય વિસ્તાર અને ગતિશિલતા જોવા મળી છે.પીએમ
મોદીએ આશા વ્યક્ત કરી હતી કે નેતન્યાહુ સાથે થનારી વાતચીતથી બન્ને દેશ વચ્ચે વિભિન્ન
ક્ષેત્રમાં સહયોગ અને મજબૂતી જોવા મળશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન
ઈઝરાયલની સંસદ કેનેસટને સંબોધિત કરવાનું સન્માન મળશે. જે બન્ને દેશના મજબૂત લોકતાંત્રિક
સંબંધોનું પ્રતિક હશે. તેઓ ઈઝરાયલની સંસદમાં સંબોધન કરનારા પહેલા ભારતીય વડા પ્રધાન
બનશે.