શાસન
વિરોધી મુજાહિદ્દીનોએ ઓપરેશનમાં અનેક કમાન્ડરોને માર્યાનો દાવો કર્યો : સરકારે પણ
100થી વધુ લડાયકોનો ખાત્મો કર્યાનું કહ્યું
નવી
દિલ્હી, તા.2પ: અમેરિકાનાં આક્રમણની આશંકા વચ્ચે આજે ઈરાનમાં સર્વોચ્ચ નેતા અલી ખામેનીનાં
આવાસ પાસે ભીષણ અથડામણનાં અહેવાલો મળી રહ્યાં છે. ઈરાનમાં શાસન વિરોધી મુજાહિદ્દીન
એ ખલ્કનાં લડાયકોએ ખામેનીનાં નિવાસ પાસે એક ઓપરેશનને અંજામ આપ્યાનો દાવો કર્યો છે અને
આમાં ઈરાનનાં અનેક કમાન્ડર મરાયા હોવાનું કહેવામાં આવે છે. આ ભયાનક લડાઈમાં મુજાહિદ્દીન-એ-ખલ્કનાં
પણ 100 જેટલા લડાયકો મરાયા હોવાનું કહેવામાં આવે છે.
અલી
ખામેનીનાં વિશ્વાસુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ખલ્કનાં સૈનિકો વચ્ચે
આ ઘર્ષણ ત્યારે થયું છે જ્યારે શિયા માર્ક્સવાદી ગ્રુપે સુપ્રીમ લીડર ખામેનીનાં તેહરાન
સ્થિત વડામથક પાસે ઓપરેશન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ લડાઈ મોતાહારી કોમ્પ્લેક્સ
પાસે થઈ હતી. આ એક બેહદ સંરક્ષિત સરકારી પરિસર છે અને ત્યાં ખામેનીનું મુખ્યાલય પણ
છે. આ કોમ્પ્લેક્સમાં ગાર્ડિયન કાઉન્સીલ, એક્સપર્ટ એસેમ્બલી, ઈન્ટેલિજન્સી મિનિસ્ટરની
ઓફિસ, જ્યુડિશિયરી સેન્ટ્રલ ઓફિસ, સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલ અને ખામેનીનાં
પુત્ર મોઝતબાની ઓફિસ અને ઘર પણ છે.
આ અથડામણમાં
સરકારનાં સમર્થક સૈનિકો વધુ મરાયા હોવાનું કહેવાય છે પણ આની કોઈ પુષ્ટિ થઈ નથી. મુજાહિદ્દીન
દ્વારા આ ઓપરેશનને સફળ ગણાવવામાં આવે છે પણ સરકાર તેને નિષ્ફળ કહે છે.