• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

આજથી પરીક્ષા પર્વ : રાજ્યમાં 15.28 લાખ વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10, 12ની પરીક્ષા

રાજકોટ શહેર-જિલ્લામા 80507 સહિત સૌરાષ્ટ્રમાં 3.70 લાખ પરીક્ષાર્થીઓ

કેન્દ્રોપર વિદ્યાર્થીઓનું કુમ-કુમ તિલક-મોં મીઠા કરાવી સ્વાગત કરાશે : કન્ટ્રોલરૂમ શરૂ

રાજકોટ, તા.25: આવતીકાલ તારીખ ર6મીથી રાજ્યભરમાં પરીક્ષા પર્વ શરૂ થઈ રહ્યં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તા.26ને ગુરુવારથી ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં 15.28 લાખથી વધુ વિદ્યાર્થીઓની કસોટી શાંતીપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

બોર્ડની આ પરીક્ષામાં રાજકોટ શહેર-જિલ્લાના 80507 સહિત સૌરાષ્ટ્રના 3.70 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાર્થીઓ માટે રાજ્યભરમા 1701 કેન્દ્રોમા 5565 શાળાઓના બિલ્ડિંગોના 53764 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે ગત વર્ષની તુલનામા 40 પરીક્ષા કેન્દ્રો વધ્યા છે. રાજકોટમાં 12 સહિત રાજ્યમાં 99 જેલના કેદીઓ પણ આ પરીક્ષામાં ઉપસ્થિત થશે.

બોર્ડની આ પરીક્ષા સંદર્ભે રાજકોટમાં કરણાસિંહજી હાઈસ્કૂલ તથા રાજયમાં જિલ્લા મથકો પર આજથી કન્ટ્રોલરૂમ શરૂ થયા છે.તેમજ 15 જેટલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવશે.

વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્રો પર સીટ નંબર નિહાળી શકે તે માટે ગઈકાલ બાદ આજે પણ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમજ ફલાઈંગ સ્કવોર્ડ પણ આજે સાંજ સુધીમાં રાજયભરના તમામ જિલ્લા મથકો પર પહોંચી ગઈ હતી. આવતીકાલે પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમ-કુમ તિલક અને મોં મીઠા કરાવી સ્વાગત કરાશે તેની સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવશે.

 અહીંએ પણ ઉલ્લેખનીય છે. પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં સાવચેતીના પગલારૂપે જાહેરનામુ પ્રસિદ્ધ કરી 144મી કલમ લગાડી દેવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષ સેન્ટરો પર પ્રતિ બંધાત્મક આદેશ કરાયા છે.

આવતીકાલે તા.26ના પરિક્ષાના પ્રથમના પ્રથમ દિવસે તા.26ને ગુરુવારે સવારના 10થી 1-15 વાગ્યા સુધી ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષાનું તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં સવારના 10.30થી 1.45 વાગ્યા સુધી સહકાર પંચાયત અને વિજ્ઞાન પ્રવાહમાં બપોરના 3થી 6.30 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાનનું પ્રથમ પેપર લેવાશે. તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાશે.  15.27 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા હોવાથી આવતીકાલથી  રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જશે.

યુ આર ધી બેસ્ટ ! આગળ વધો-ફતેહ કરો..

આજથી 15.27 લાખ વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક અને વ્યવસ્થા જોવા પરીક્ષા કેન્દ્રો પર ઉમટયા હતા.  જોકે આ પરીક્ષા અંતિમ નથી. તે શૈક્ષણિક યાત્રાનો એક નાનકડો માઈલસ્ટોન છે. ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત-તણાવમુક્ત બનીને આ  પરીક્ષા આપે અને સારામાં સારું પરિણામ મેળવે એવી શુભેચ્છા ‘ફૂલછાબ’ દૈનિક પાઠવે છે. (નિશુ કાચા)

ઇ-પેપરના નવા શુલ્ક