ભારતીય
ઇલેવનમાં અક્ષરની વાપસી નિશ્ચિત : સેમસનને પણ તક મળી શકે છે
ઝિમ્બાબ્વે
પાસે વધુ એક ઉલેટફેર કરવાની તક
ચેન્નાઇ,
તા.2પ : ટીમ ઇન્ડિયાનું વર્ષ 2024થી ચાલ્યું આવતું ટી-20 વિશ્વ કપ વિજયી અભિયાન થંભી
ચૂક્યું છે. સતત 12 જીતની સોનેરી સફર પછી ટીમ ઇન્ડિયાને અમદાવાદના આંગણે દ. આફ્રિકા
વિરુદ્ધ 76 રને આંચકારૂપ હાર સહન કરવી પડી હતી. આ પરાજયથી સૂર્યસેનાનું વિશ્વ કપ અભિયાન
મઝધારમાં ફસાયું છે. જેમાંથી હેમખેમ બહાર નીકળવા માટે ટીમ ઇન્ડિયાએ બે બાધા પાર કરવાની
છે. જેમાં એક બાધા છે ઝિમ્બાબ્વે ટીમ. જેની સાથે ટીમ ઇન્ડિયાનો અહીંના ચેપોક મેદાન
પર ગુરુવારે કરો યા મરો સમાન મેચ રમાશે. ઝિમ્બાબ્વે સામેનો મેચ આમ તો ભારત માટે કઠિન
રહ્યો નથી, પણ આ વખતે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવાનું ટીમ ઇન્ડિયા પર દબાણ છે. ઝિમ્બાબ્વે
સામેની ભારતીય ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે.
આ મેચ
અગાઉ દ. આફ્રિકા-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના સુપર-8 રાઉન્ડના ગ્રુપ-1ના મેચનું પરિણામ આવી
ગયું હશે. આથી સૂર્યસેના સામે સેમિના સમીકરણનું ચિત્ર ઘણું સાફ હશે. આથી ટોસ જીતવાની
સ્થિતિમાં ટીમ ઇન્ડિયા લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે.
ઝિમ્બાબ્વે
સામેના કરો યા મરો સમાન મેચમાં ભારતીય ઇલેવનમાં સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી
નિશ્ચિત માનવામાં આવે છે. આથી પ્રયોગાત્મક ખેલાડી વોશિંગ્ટન સુંદરને લગભગ બહાર બેસવું
પડી શકે છે. રિંકુ સિંહનું આ મેચમાં રમવું શંકાસ્પદ છે. તે પિતાની બીમારીને લીધે અલિગઢ
ગયો હતો. જો કે બેટિંગ કોચ સિતાંશુ કોટકના કથન અનુસાર તે બુધવારે રાત્રે ટીમ ઇન્ડિયા
સાથે જોડાઈ ચૂક્યો છે. જો કે તેની ઇલેવનમાં પસંદગી અનિશ્ચિત છે. તેનાં સ્થાને સંજુ
સેમસન પર કોચ ગંભીર દાવ ખેલી શકે છે.
નંબર
વન બેટર અભિષેક શર્મા અને પ્રતિભાશાળી તિલક વર્મા પર પણ ઇલેવન બહાર થવાની તલવાર લટકી
રહી છે. જો કે કપ્તાન સૂર્યકુમાર યાદવ સંકેત આપી ચૂકયો છે કે તેની ટીમ નીડર ક્રિકેટ
રમવાનું છોડશે નહીં. રિપોર્ટ અનુસાર અભિષેક અને તિલકને ઝિમ્બાબ્વે સામેના મેચમાં પડતા
મૂકવામાં આવશે નહીં.
ચેપોકની
પીચ પર ભારત માટે ફરી એકવાર સ્પિન બોલર્સ ટ્રમ્પ કાર્ડ બની શકે છે. સાઉથ આફ્રિકા સામે
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી મારક બની શક્યો ન હતો. ચેપોક પર તે ફરી ઘાતક બની શકે
છે, કારણ કે આ તેની હોમ પીચ છે. વરુણના સાથમાં અક્ષર હશે અને કદાચ કુલદીપની પણ એન્ટ્રી
થઈ શકે છે.
ઝિમ્બાબ્વે
સામે ભારતને સૌથી મોટી આશા પાવર પ્લેમાં અભિષેક અને ઇશાન પાસેથી આક્રમક શરૂઆતની હશે.
ઝિમ્બાબ્વેના લાંબા કદના બોલર અને ખાસ કરીને મુજરબાની પાવર પ્લેમાં સતત હરીફ ટીમના
બેટધરોને શિકાર બનાવી રહ્યા છે. જેનાથી ટીમ ઇન્ડિયાએ સચેત રહેવું પડશે. ટોસ જીતનાર
ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.
રિંકુની
ઉપલબ્ધતા અને અભિષેકના ફોર્મ વિશે કોટકનો જવાબ
ભારતીય
ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે, પિતાની બીમારીને લીધે અલિગઢ ગયેલ રિંકુ
સિંહ આજ સાંજ સુધીમાં ચેન્નાઈ પહોંચી જશે અને ટીમ સાથે જોડાઈ જશે. આથી તે પસંદગી માટે
ઉપલબ્ધ છે. અભિષેક શર્માના ખરાબ ફોર્મ પર કોટકે કહ્યું કે તે પેટની બીમારી પછી વાપસી
કરી શક્યો નથી. કોઈ એક ખેલાડી પર સતત ફોકસ
કરવાની જરૂર નથી. તે આફ્રિકા સામે સારા ટોચમાં હતો. તે સારા ફોર્મની એકદમ નજીક છે.
હેડ
ટૂ હેડ
ભારત
અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 13 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં ભારતનો
10 મેચમાં વિજય થયો છે જ્યારે ઝિમ્બાબ્વેને ફક્ત 3 જીત મળી છે. બન્ને ટીમ વચ્ચે ટી-20
વિશ્વ કપમાં ફક્ત એક મેચ રમાયો છે. જે 2010માં રમાયો હતો. જેમાં ભારતીય ટીમની 6 વિકેટે
જીત થઈ હતી.