રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણ અને સિંહ બાળની સંખ્યા વધીને 231 નોંધાઇ: વિધાનસભા ગૃહમાં રાજ્યના સિંહોની વસ્તી અને સંરક્ષણ અંગે મહત્ત્વપૂર્ણ આંકડા રજૂ કરાયા
અમદાવાદ,
તા.27: વિધાનસભા ગૃહમાં રાજ્યના સિંહોની વસ્તી અને સંરક્ષણ અંગે મહત્ત્વપૂર્ણ આંકડા
રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સવાલના જવાબમાં સરકારે સિંહોની હાલની સ્થિતિ અને
મૃત્યુદર અંગે વિગતવાર માહિતી આપી હતી. સરકારે ગૃહમાં જણાવ્યું કે રાજ્યમાં હાલ કુલ
255 સિંહ અને 405 સિંહણ નોંધાયા છે. સાથે જ સિંહ બાળોની સંખ્યા વધીને 231 સુધી પહોંચી
હોવાનું જણાવાયું, જે સંરક્ષણ પ્રયત્નોની દિશામાં સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
મૃત્યુઆંક
અંગે સરકારે જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન કુલ 165 સિંહના મોત નીપજ્યા હતા. જેમાંથી
126 મોત કુદરતી કારણોસર થયા હતા, જ્યારે 39 અકુદરતી કારણોસર નોંધાયા હતા. વર્ષ
2025માં સિંહોના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે કુલ 148 સિંહોના મોત થયા,
જેમાં 126 કુદરતી અને 22 અકુદરતી મૃત્યુ નોંધાયા હતા. અકુદરતી મૃત્યુમાં ઘટાડો થવો
સંરક્ષણ કામગીરી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન 31 જાન્યુઆરી
2026 સુધી કુલ 9 સિંહોના મૃત્યુ નોંધાયા છે. જેમાંથી 5 કુદરતી અને 3 અકુદરતી મોત થયા
છે. એક કેસની તપાસ ચાલુ હોવાનું પણ સંકેત આપવામાં આવ્યો.
સરકારે
દાવો કર્યો કે સિંહ સંરક્ષણ માટે મોનિટારિંગ, ટ્રાકિંગ અને વેટરનરી સુવિધાઓમાં વધારો
કરવામાં આવ્યો છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રાલિંગ અને રેસ્ક્યૂ ટીમોને વધુ
સજ્જ બનાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે સતત પ્રયાસો ચાલુ હોવાનો
વિશ્વાસ ગૃહમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.