• રવિવાર, 01 માર્ચ, 2026

પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજય તીર્થમાં કાલે છ ગાઉની મહાયાત્રા, ભાવિકો ઊમટી પડશે યાત્રિકોની સેવામાં 90 જેટલા પાલ તૈયાર કરાશે, આ.ક.પેઢી દ્વારા તડામાર તૈયારીઓ

સમગ્ર યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પાલિતાણા, તા.27 : ફાગણ સુદ તેરસને તા. 1/3ને છ ગાઉની મહાયાત્રા તેમજ સિદ્ધવડ ખાતે ઢેબરીયો મેળો યોજાનાર છે. આ પ્રસંગે ગુજરાત અને ગુજરાત બહારના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આ મહાયાત્રા તેમજ સિદ્ધવડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાલિતાણાથી સિદ્ધવડ જવા તેમજ આવવા માટે વિશેષ બસો દોડાવવામાં આવનાર છે. 

ફાગણ સુદ તેરસની મહાયાત્રા પ્રસંગે જય તળેટીથી ગિરિરાજ ઉપર .30 કલાકે યાત્રિકોને જવા દેવામાં આવશે. હનુમાન હડેથી રસ્તો એક માર્ગીય કરીને યાત્રિકોને વ્યવસ્થિત રીતે દાદાજીના ગભારા સુધી ધક્કા મૂકી વગર જઈ શકે તે માટે આયોજન કરાયું છે. આદપુર જવા માટે રસ્તો વન વે જાહેર કરવામાં આવનાર છે. 

જૈન ધર્મમાં તીર્થનો મહિમા અને તેમાં પણ ફાગણ સુદ તેરસના રોજ પાલિતાણા તીર્થધામનો મહિમા અપરંપાર છે. તા. 1-3-26 ના ફાગણ સુદ તેરસના યાત્રિકો પાલિતાણા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડશે જ્યારે બીજી બાજુ યાત્રિકોની સુવિધા સાચવવા સેવાભાવી સંસ્થાઓ તેમજ ભાવનગર, અમદાવાદ, મુંબઈના સ્વયંસેવકો આવનાર છે. તેમજ 90 જેટલા પાલ યાત્રિકોની સેવામાં સજ્જ કર્યા છે.

દાદાની ટૂંક સુધી વિધિપૂર્વક યાત્રા કર્યા બાદ રામપોળના દરવાજેથી બહાર નીકળી જમણી બાજુના રસ્તેથી છ ગાઉની પ્રદક્ષિણાનો પ્રારંભ થાય છે. નીચે ઉતરતા ઉલ્કાજળ નામે પોલાણ આવે છે. ઉલ્કાજળથી આગળ જતા અજીતનાથ ભગવાનની અને શાંતિનાથ ભગવાનની દેરીઓ આવે છે. આ દેરીઓ પાસે ’સિધ્ધશીલા’ છે. સિદ્ધશીલાના દર્શન કરીને ભાવિકો ’કાઊસગ્ગ’ કરે છે. ત્યાંથી આગળ ચંદન તલાવડી આવે છે ચંદન તલાવડી થી આગળ ચાલતા ઊંચો ડુંગર આવે છે તે ભાડવાનો ડુંગર. આ ભાડવાના ડુંગરે શાંબ અને પ્રદ્યુમનાના પાવન પગલા છે. યાત્રીકો યાત્રા કરી સિધ્ધવડ આદપુર આવે છે. આ સ્થળ પર આવેલા વડનું નામ સિધ્ધવડ છે. આ સ્થળે અનંત આત્માઓ સિદ્ધગતિને પણ પામ્યા છે. સિધ્ધવડ તળેટી ખાતે દેશમાં પ્રથમ જિનપતિ આદિનાથ ભગવાનની ચરણ પાદુકા છે. આ સ્થળ પર ચૈત્યવંદન કરે એટલે છગાઉની યાત્રા વિધિપૂર્વક સંપન્ન થઈ કહેવાય. છ ગાઉની યાત્રા કરતા યાત્રિકોને છથી આઠ કલાકનો સમય લાગે છે. ભાડવાના ડુંગરથી સિધ્ધવડ આવ્યા બાદ અહીં યાત્રિકોની સેવામાં 90 જેટલા પાલ તૈયાર કરવામાં આવનાર છે.  પહેલા આ પાલોમાં ફક્ત દહીં ઢેબરાની જ ભક્તિ કરવામાં આવતી હતી તેથી આ યાત્રાને ઢેબરીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. હવે તો આ પાલોમાં દહીં ઢેબરાં ઉપરાંત જુદી જુદી વાનગીઓ, જુદા જુદા ફ્રુટ્સ, સુકોમેવો વગેરેની ભક્તિ કરવામાં આવે છે.  આ વખતે ફાગણ સુદ તેરસ રવિવાર ના રોજ હોવાથી અને રજાનો દિવસ હોવાથી અંદાજે એક લાખ જેટલા યાત્રિકો ઉમટી પડશે એવું અનુમાન છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક