• રવિવાર, 01 માર્ચ, 2026

પવનની દિશા બદલાતા ગરમી વધશે, મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા

3 માર્ચએ અમદાવાદ-ગાંધીનગરમાં દેખાશે ચંદ્રગ્રહણ 

અમદાવાદ, તા. 27: રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ ફેરફારને કારણે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાવાને કારણે ગરમીનો અનુભવ વધશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે.  આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. વધુમાં એવી પણ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ પછી ગુજરાતના દરિયાકિનારે ગરમ અને ભેજવાળી આબોહવાનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, 3 માર્ચ, 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગ્યે થશે. પૂર્ણ ગ્રહણની શરૂઆત સાંજે 4:34 વાગ્યે, જ્યારે તબક્કાનો અંત 5:33 વાગ્યે અને ગ્રહણ સાંજે 6:48 પૂરું થશે. રાજ્યની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે અંદાજે 6:44 વાગ્યે ચંદ્રોદય સાથે ગ્રહણનો અંતિમ તબક્કો જોવા મળશે. વડોદરામાં 6:42 વાગ્યે આ દૃશ્ય નિહાળી શકાશે. જ્યારે દ્વારકા જેવા પશ્ચિમ છેડાના વિસ્તારોમાં ગ્રહણ દ્રશ્યમાન થવાની શક્યતા ખૂબ ઓછી છે. વિજ્ઞાન મુજબ, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ત્રણેય એક સીધી રેખામાં આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ બને છે.

ઇ-પેપરના નવા શુલ્ક