નિવૃત્તિને આરે પહોંચેલા અને નિમણૂકની પ્રતિક્ષામાં મૂકાયેલા શમશેર સિંઘને આખરે ચાર્જ સોંપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી): અમદાવાદ,
તા.6 : ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એકસાથે 37 આઈપીએસ
અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. મહિનાઓથી આ મહત્વની બદલીઓની
રાહ જોવાતી હતી જેના પર અંતે નિર્ણય લેવાયો છે. કેટલાકની બઢતી કરાઈ છે, જ્યારે કેટલાકને
સજાના ભાગરૂપે ડાઉનગ્રેડ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ
જોવા મળ્યો છે. કડક છબી ધરાવતા અને હાલમાં સ્ટેટ મોનિટારિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની
રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે એન્ટ્રી થઈ છે. 10થી વધુ આઈપીએસ અધિકારીઓ લાંબા સમયથી નિમણૂકની
પ્રતિક્ષામાં હતા તેમને પણ પોસ્ટિંગ અપાતા પગાર ભથ્થા મળવાથી આનંદ વ્યક્ત કર્યો હતો.
તમામ અધિકારીઓને તાત્કાલિક પોતાના નવા સ્થાને ચાર્જ સંભાળવા આદેશ અપાયા છે.
ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવેલા
અને લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા વરિષ્ઠ આઈપીએસ શમશેર સિંઘને સિવિલ ડિફેન્સ
ડાયરેક્ટર અને હોમગાર્ડ્સના કમાન્ડન્ટ જનરલ તરીકે નિમણૂકનો હુકમ કરાયો છે. શમશેર સિંઘને
નિવૃત્તિના 25 દિવસ પૂર્વે જ પોસ્ટિંગનો આદેશ મળ્યો છે. તેઓ 31 માર્ચના સેવામાંથી વય
નિવૃત્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત આઈજીપી ગગનદીપ ગંભીર હાલમાં એસએમસીનો વધારાનો હવાલો
સોંપવામાં આવ્યો છે. 2003 બેચના આઈપીએસ અશોક કુમારને રાજકોટથી ખસેડીને સીઆઈડી ઈન્ટેલિજન્સમાં
નિમણૂક અપાઈ છે.
ભાવનગરના રેન્જ આઈજી ગૌતમકુમાર
પરમારની ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે પરીક્ષિતા રાઠોડને
બનાસકાંઠા રેન્જ આઈજી અને વિધિ ચૌધરીને ગોધરા રેન્જના ડીઆઈજી તરીકે નિયુક્ત કરાયા છે.
ચૈતન્ય માંડલિકને રાજકોટ શહેરના ક્રાઈમ, ટ્રાફિક અને એડમિનના એડિશનલ કમિશનર બનાવાયા
છે.
જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયાને
વડોદરા સેક્ટર-2, ક્રાઈમ અને કાયદો-વ્યવસ્થાના જોઈન્ટ કમિશનર તરીકે મુક્યા છે. એસીબીના
એડિશનલ ડાયરેક્ટર બિપિન આહીરેને સાયબર સેન્ટર ફૉર એક્સેલન્સ આઈજી તરીકે મુક્યા છે.
કોસ્ટલ સિક્યુરિટીના આઈજી પી.એલ.માલને એસીબી ડાયરેક્ટર બનાવાયા છે. અમદાવાદ ટ્રાફિકના
જેસીપી એન.એન.ચૌધરીની ગાંધીનગર આઈબી ખાતે બદલી કરાઈ છે. જેલોના આઈજી એ.જી. ચૌહાણને
અમદાવાદ શહેર ટ્રાફિકના જેસીપી બનાવાયા છે.