15
માર્ચથી સમસ્યા વકરશે : પેપર મિલ ઉદ્યોગ પર પણ કાચા માલ મળવાનું જોખમ
(ફૂલછાબ
ન્યુઝ)
મોરબી,
તા. 5 : ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વ પ્રાંતને બાનમાં લીધો છે.
યુદ્ધને પગલે સમગ્ર દુનિયાના અર્થતંત્રને અસર પહોંચી રહી છે. હોર્મુસ ખાડી ઇરાને બંધ
કરી નાંખતા ગેસ અને તેલના પુરવઠાનું પરિવહન ખોરવાયું છે. ગેસની તંગી પડવા લાગતા હવે
મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરૂ થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં 90 ટકા યુનિટો
બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબીનો સિરામીક ઉદ્યોગ પ્રોપેન ગેસ પર મોટો આધાર
રાખે છે એટલે વ્યાપક અસર થઇ છે.
મોરબી
સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાએ કહ્યું કે, યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતા
ગેસનો સપ્લાય અટકી ગયો છે. ગુજરાત ગેસ પાસે પણ થોડો પુરવઠો બચ્યો છે. ગુરુવારે ઉદ્યોગકારો
સાથે બેઠક મળી હતી. એમાં પહેલી અને ત્વરિત અસરમાં 15 કરતા વધારે ફેક્ટરીઓમાં શટડાઉન
કરવું પડયું છે. આગામી દિવસોમાં અન્ય એકમો પણ બંધ થશે. પ્રોપેન ગેસ વપરાશ કરનાર 60 ટકા સિરામિક એકમો પાસે
1-2 દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બંધ છે.
ગુજરાત
ગેસ દ્વારા મળતા સપ્લાયમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. ઉદ્યોગના અગ્રણીઓએ
કહ્યું કે, અમારા અંદાજ મુજબ 15 માર્ચ સુધી ગેસ સપ્લાય ચાલુ રહી શકે છે. એ પછી જો યુદ્ધ
ચાલુ રહે અને સપ્લાય ખોડંગાયેલો રહે તો 90 ટકા એકમો બંધ કરવા પડી શકે છે.
સિરામિક
તો ઉદ્યોગ પરેશાન છે જ પણ હવે સાથે પેપર ઉદ્યોગને પણ અસર થઇ છે. કાચા માલના જહાજો આવી
ન શકતા પેપરમિલ ઉદ્યોગ માથે પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.
મોરબીમાં
પેપરમિલ ઉદ્યોગના નાના મોટા બાવન એકમો કાર્યરત છે. પ્રતિદિન એક યુનિટને 100 ટન જેટલા
કાચા માલનો વપરાશ છે. મોરબી પેપર મિલ ઉદ્યોગમાં 5 થી 6 હાજર ટન કાચા માલની માગ રહે
છે જેમાંથી આશરે 70 ટકા વિદેશથી આયાત કરવામાં આવે છે અને યુદ્ધની સ્થિતિને પગલે પ્રતિ
ટન 2000 ડોલર જેટલો સંભવિત ભાવવધારો આવે તો 40થી 50 ટકા જેટલો ભાવવધારો જોવા મળી શકે
છે એટલું જ નહીં કોલસાનો ભાવ જે અગાઉ 5000થી 5500 આસપાસ હતો તેમાં પણ 1000 રૂપિયાથી
વધુનો વધારો થઇ ચુક્યો છે અને કોસ્ટિંગ 20 ટકા જેટલું વધી ગયું છે
પેપરમિલ એસો પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું
કે મોરબી પેપરમિલમાં તૈયાર થતો માલ સિરામિક એકમોમાં વપરાય છે અને સિરામિક ઉદ્યોગ બંધ
થાય તો પેપરમિલ ઉદ્યોગ બંધ કરવો પડે એટલું જ નહીં કાચા માલ અને કોલસાના અસહ્ય ભાવવધારા
તેમજ અનિશ્ચિત સપ્લાયને પગલે પણ પેપરમિલ એકમો બંધ કરવાની નોબત આવી સકે છે હાલ સ્થિતિ
સ્પષ્ટ નથી સિરામિક ઉદ્યોગના નિર્ણય બાદ મિટિંગ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે...