• શુક્રવાર, 13 માર્ચ, 2026

આકાશમાંથી અગનજવાળા : 14 શહેરમાં 40 ડિગ્રીથી વધુ ગરમી

આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ

આજે 42.3 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ શહેર : રાજકોટ 41.9, વડોદરા 41.6, સુરેન્દ્રનગર 41.5, અમદાવાદ        41.4 ડિગ્રી તાપમાન

રાજકોટ, અમદાવાદ તા.11: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકાશમાંથી ‘અગનજ્વાળા’ વરસતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહાજી જતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આજે પણ રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત 14 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતા વધુ નોંધાયું છે. આજે 42.3 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી ગરમ શહેર રહ્યું છે. આવતીકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તીવ્ર હીટવેવને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ વધારો થવાની શક્યતા નથી પરંતુ ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જ્યારે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવતીકાલે 12 માર્ચના રોજ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તીવ્ર હીટવેવની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, વડોદરા અને સુરત જિલ્લામાં હીટવેવની અસરને કારણે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને વડોદરા જિલ્લામાં ગરમ રાત્રીની પણ ચેતવણી અપાઈ છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. 13 માર્ચના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને સુરત જિલ્લામાં હીટવેવ માટે ’યલો એલર્ટ’ યથાવત રહેશે, પરંતુ 14 થી 17 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ સામાન્ય રહેવાની આગાહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક