• બુધવાર, 11 માર્ચ, 2026

યુદ્ધના કારણે વિશ્વમાં હાહાકાર, 9 દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ

પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે

નવી દિલ્હી, તા.10: અમેરિકા-ઈઝરાયલ ઈરાન સાથે છેલ્લા 11 દિવસથી યુદ્ધ કરી રહ્યા છે, તો ઈરાને વિશ્વભર માટે સૌથી મહત્વનો જળમાર્ગ હોર્મુઝ બંધ કરવાના કારણે અનેક તેલ ટેન્કરો સહિતનો સામાન અટકી પડયો છે, યુદ્ધના કારણે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સહિતના દેશોએ પણ આયાત પર કામ મુકી દીધો છે, જેના કારણે અનેક દેશોમાં ફયૂલ સંકટને લઈ હાહાકાર મચી ગયો છે. મધ્ય-પૂર્વમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો ધયૂલ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન, ફ્રાન્સ, અમેરિકા, જર્મની, પોલેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયામાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ છે. મધ્ય-પૂર્વમાં દિવસે ને દિવસે ઘર્ષણ વધવાના કારણે ઊર્જા સપ્લાયની આયાત-નિકાસ કરવામાં ભારે અડચણો ઉભી થઈ રહી છે.

ઈરાને પોતાના સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો હોવાથી ક્રૂડ તેલની કિંમતો 25 ટકા સુધી વધી ગઈ છે. યુદ્ધના કારણે અનેક દેશો સમક્ષ એવું સંકટ ઉભું થયું છે કે, ક્યાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે, તો ક્યાંક હોટલ-રેસ્ટોરન્ટો બંધ કરવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં દૈનિક અપાતા પેટ્રોલમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ગભરાટ તેમજ પુરવઠાની અનિશ્ચિતતાના કારણે નાગરિકો ટેન્શનમાં મુકાઈ ગયા છે અને પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પર લાઈન લગાવી દીધી છે, તો અનેક દેશોની સરકારોએ પણ ચિંતત થઈને વિવિધ રસ્તાઓ અપનાવવાના શરૂ કરી દીધા છે.

પાકિસ્તાન: આર્થિક સંકટ અને ભારે મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન ફરી મોટી આફતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હાલ મોંઘવારીમાં અદમ્ય વધારો થયો છે. યુદ્ધ પહેલા ત્યાં પેટ્રોલની કિંમત 266 રૂપિયાની આસપાસ હતી, ત્યારે હવે યુદ્ધ બાદ કિંમતોમાં 55 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે હાલ ત્યાં પેટ્રોલની કિંમત 321 રૂપિયા પર પહોંચી ગઈ છે. 

બાંગ્લાદેશ: અહીં લોકોએ જરૂરીયાત કરતા વધુ પેટ્રોલની સંગ્રહખોરી શરૂ કરી દીધી છે, જેના કારણે દેશમાં પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. સરકારે સાવધાનીના ભાગરૂપે બાઈક ચાલકોને દિવસમાં માત્ર બે લીટર પેટ્રોલ અને કાર ચાલકને દૈનિક 10 લીટર પેટ્રોલ આપવાનો આદેશ આપ્યો છે.

શ્રીલંકા : દેશમાં ઈંધણની કિંમતોમાં 8 ટકાનો વધારો થયો હોવાની વિગતો સામે આવી છે. શ્રીલંકન સરકાર પાસે એપ્રિલ સુધીનો સ્ટોક હોવાનું આશ્વસન આપ્યું છે.

જર્મની : ક્રૂડ ઓઈલના ભાવ વધવાની અસર જર્મની સુધી પણ પહોંચી છે. દેશમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ચાન્સેલર ફ્રેડરિક મેર્જ વધતી કિંમતો મામલે બેઠકો અને સમીક્ષા કરી રહ્યા છે.

ફ્રાન્સ: યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થતા અને ત્યારબાદ અનેક અફવાઓ સામે આવ્યા બાદ ફ્રાન્સના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે. એકતરફ દેશના લોકોએ ચિંતામાં આવીને પેટ્રોલનો સંગ્રહ શરૂ કરી દીધો છે, તો બીજીતરફ તેઓને મોંઘવારી વધવાનો પણ ડર સતાવી રહ્યા છે.

પોલેન્ડ: ફ્રાન્સ જેવી સ્થિતિ પોલેન્ડમાં પણ સર્જાઈ છે. અહીંના પેટ્રોલ પંપો પર પણ લાંબી કતારો થઈ છે.

વિયેતનામ: યુદ્ધની ગંભીર અસરોમાં વિયેતનામનું પણ નામ સામેલ છે. દેશમાં પુરવઠાને લઈ સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને ઈંધણની બચત કરવાની અપીલ કરી છે. સરકારે લોકોને વધુમાં વધુ બાયોફયૂઅલ, જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે.

ઈન્ડોનેશિયા: ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાના કારણે ઈન્ડોનેશિયા સરકાર પણ પડકારોનો સામનો કરી રહી છે. સરકાર મ્50 બાયોડીઝલ યોજના ફરી લાગુ કરવાની વિચારણા કરી રહી છે.

અમેરિકા: યુદ્ધની સીધી અસર અમેરિકાના સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે, જ્યાં ગેસ પંપો પર ઈંધણની કિંમતોમાં પ્રતિ ગેલન 11 સેન્ટ સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક પુરવઠા સાંકળ ખોરવાઈ જવાની આશંકાએ અમેરિકન વહીવટીતંત્ર અને જનતામાં ચિંતા જગાવી છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર જો લાંબા સમય સુધી અવરોધ રહેશે, તો આગામી દિવસોમાં આયાત ખર્ચ વધવાની અને ઊર્જા સંકટ વધુ ઘેરું બનવાની શક્યતા છે, જેની સીધી અસર અમેરિકાના પરિવહન ક્ષેત્ર અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબીના વેપારીને રાજકોટના શખસે લોન અપાવવાના બહાને 70 લાખનો ચૂનો ચોપડયો વેપારીને ધંધામાં નાણાંની જરૂર હોય ભાગીદારે રાજકોટના શખસ સાથે પરિચય કરાવ્યો હતો March 11, Wed, 2026