સ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: પ્રશાસન-સરકારનો સધિયારો
રાજકોટ, તા.11 : ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. તેમજ લારી-ગલ્લાવાળાની હાલત પણ કફોડી બની ગઈ છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી હતી. રાજકોટમાં અમુક ગેસ એજન્સીઓ પાસે કોમર્શિયલ સિલીન્ડરનો સ્ટોક હતો તે વગદાર હોટલના સંચાલકોએ કબજે કરી લીધાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રૂ.1900ના ભાવ સામે હોટલના ધંધાર્થીઓ 3000થી 3500 અને છેલ્લે પાંચ હજારમાં પણ કાળા બજારમાં લેવા લાગ્યા છે. રાજકોટ શહેરમાં 2000થી વધુ એકમો પાસે પીએનજી કનેકશન છે, જેઓ પાઈપલાઈન મારફત ગેસનો પુરવઠો મેળવી રહ્યા છે. જેથી આ એકમોને કોમર્શિયલ ગેસની અછતની કોઈ અસર થશે નહીં.
રાજકોટમાં રાંધણ ગેસની અછત નિવારવા અને કૃત્રિમ તંગી ઉભી ન થાય તે માટે કલેક્ટર અને પુરવઠા તંત્ર સજ્જ બની ગયું છે. આજે કલેક્ટર કચેરીમાં ઓઇલ કંપનીઓ તેમજ ગેસ એસોસિયેશનના પ્રમુખ, પેટ્રોલ પંપ એસોસિયેશના પ્રમુખ, એલપીજી ડિસ્ટ્રીબ્યુશન નોડલ ઓફિસર વગેરે સાથે બેઠક મળી હતી. વિતરણ વ્યવસ્થામાં કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે એ માટે પેટ્રોલપંપ ડીલરો તથા ગેસ એજન્સીના ડીલરો દ્વારા સમયસર તેમના ઇન્ડેન્ટ/નાણા એડવાન્સમાં ભરપાઈ થઈ જાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. માર્કેટીંગ કંપનીઓને પણ આ બાબતનું રેગ્યુલર મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઘરેલુ ગેસના બાટલાઓ અંગે કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે એ માટે ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. વધુમાં હાલ પેટ્રોલ/ડીઝલ/ઘરેલું ગેસના જથ્થાનો કોઈ પ્રશ્ન ન હોવાથી લોકોએ પણ પેનિક ન થવા તથા અફવાઓમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પુરવઠા ઇન્સ્પેક્ટરોની ટીમ ગેસ એજન્સીઓમાં દોડાવાશે. સાથે ફાસ્ટ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટના ધંધાર્થીઓ રાંધણ ગેસનો કોમર્શિયલ ઉપયોગ કરતા હશે તો તેઓની સામે કાર્યવાહી કરાશે.
જૂનાગઢ : શહેર અને જિલ્લામાં હજુ સુધી કોમર્શિયલ ગેસની તંગી અંગેની કોઈ ફરિયાદ ઉઠી નથી. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સના ધંધાર્થીઓએ ગેસના બાટલાની અછત અંગે કોઈ નિવેદન કે ફરિયાદ કરી નથી, પરંતુ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જાણવા મળ્યું કે, કંપનીઓએ જૂનાગઢ જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય બંધ કરી છે, પરિણામે આગામી દિવસોમાં આવા સિલિન્ડરની તંગી ઊભી થશે. બીજી તરફડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો ખાણીપીણીની દુકાનો, ફરસાણ અને ચાની દુકાનોમાં મોટાપાયે દૂરઉપયોગ થઈ રહ્યો છે, જેને અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા એકાદ દિવસમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવશે.
બોટાદ : અગાઉ જિલ્લામાં ગેસ ગ્રાહકોને મહિને બેથી ત્રણ સિલિન્ડર સુધી મળતા હતા અને બાકિંગ પણ સામાન્ય રીતે 15 દિવસના અંતરે થઈ શકતું હતું પરંતુ હાલ ઓઈલ કંપનીઓ તરફથી માત્ર 50 ટકા જ જથ્થો પૂરો પાડવામાં આવતા વિતરણમાં ઘટાડો થયો છે. પરિણામે હવે ગ્રાહકોને મહિને એક જ વાર બાકિંગ કરવાની મર્યાદા રાખવામાં આવી છે. શહેરમાં સામાન્ય રીતે રાજિંદા 700થી 800 એલપીજી સિલિન્ડરનું વિતરણ થતું હતું, પરંતુ હાલ પુરવઠો ઓછો મળતા વિતરણમાં લગભગ 20 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. કેપેસિટી વધારવા અને પુરવઠો સામાન્ય કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. પરિસ્થિતિ સામાન્ય બનતા અને પુરવઠો વધતા આગામી થોડા અઠવાડિયામાં વિતરણ ફરી રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તળાજા : ગેસની અછત ઉભી થવાના અહેવાલના પગલે ઓનલાઈન બાકિંગનો સતત મારો રહેતા સિસ્ટમ હેક થતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તળાજા સ્થિત એલપીજી ગેસ એજન્સી પર આજે ગેસનો બાટલો લેવા અને નોંધવવા ગ્રાહકોની નિયમિત કરતા વધુ લાઈન જોવા મળી હતી. આ મામલે એજન્સીના સંચાલક કીર્તિદેવાસિંહ સરવૈયાએ જણાવ્યું હતુ કે, ત્રીસ હજાર જેટલા ગ્રાહકો છે, જેમાં ધંધાકીય હેતુ માટેના ગેસ સિલીન્ડર છેલ્લા ત્રણ દિવસથી આવતા નથી, ક્યારે આવશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. ઘરેલુ ગેસની અછત ઉભી થશે તેવું માનીને ગ્રાહકો 21 દિવસ થયા ન હોવા છતાં ધડાધડ ઓનલાઈન બાકિંગ કરાવવા લાગ્યા છે, જેને કારણે સિસ્ટમ ધીમી પડી રહી છે.
વડોદરા : કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ આજે ગેસ ઉત્પાદકો, વિતરકો ઉપરાંત મામલતદારો સાથે બેઠક યોજી પુરવઠાનો તાગ મેળવ્યો હતો. બેઠક બાદ કલેક્ટરે કહ્યું હતુ કે, વડોદરા શહેર અને જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. ગેસનો પૂરવઠો યોગ્ય માત્રામાં છે. કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્ત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની પણ સૂચના જારી કરી છે. જિલ્લાના મામલતદાર કક્ષાએ ટીમો રચવામાં આવી છે, જે સતત ફિલ્ડ સ્તરે મોનિટારિંગ કરશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. ક્યાંય પણ ગેરરીતિ, ડાયવર્ઝન અથવા બ્લેક માર્કાટિંગની ઘટના સામે આવશે તો સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
IOC રાજકોટ જિલ્લામાં LPGનો 65 ટકા જથ્થો સપ્લાય કરે છે
રાજકોટમાં જુદી-જુદી કંપનીઓની 66 ગેસ એજન્સી આવેલી છે જેમાં આઇઓસીની 42 એજન્સી છે જ્યારે બીપીસીએલની 20 ગેસ એજન્સી છે અને એચપીસીએલની ચાર ગેસ એજન્સી છે. બીપીસીએલના 82 પેટ્રોલપંપ, એચપીસીએલના 87 પેટ્રોલપંપ અને સેલના 8 પેટ્રોલ પંપ કાર્યરત છે જ્યારે નાયરાના 59 અને રિલાયન્સના 17 પેટ્રોલ પંપ આવેલા છે. આ તમામ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પુરવઠા અધિકારી ઝાપડાએ જણાવ્યું હતું. જિલ્લામાં આવેલા 361 પેટ્રોલ પંપના સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે, 50 ટકા પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખાલી થઈ જાય ત્યારે ઓઇલ કંપનીઓમાં ઇન્ડેન્મ ભરી દેવું જેથી સાયકલ અટકે નહીં અને ગ્રાહકો આવે ત્યારે સો ટકા પેટ્રોલ-ડીઝલ ખાલી ન થઇ જાય.
ગેસ એજન્સીઓમાં બાકિંગ બંધ
રાજકોટની ઓઇલ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ગેસ બાકિંગ માટે મિસ્ડ કોલ નંબર જાહેર કર્યો છે તેમાં 84549 55555 ઉપર મોબાઇલમાંથી મિસ્ડ કોલ કરવાથી ગેસ સિલિન્ડર આપોઆપ બાકિંગ થઈ જાય છે તે નંબર એકાએક ઓઇલ કંપનીઓએ બંધ કરી દેતાં ગ્રાહકોમાં ઉહાપોહ મચી ગયો છે. જેની પાસે બીજો સિલિન્ડર ખાલી છે તેનું બાકિંગ ન થતાં ગેસ એજન્સીઓ ખાતે દોડાદોડી કરી રહ્યાં છે. પુરવઠા અધિકારી ઝાપડાએ જણાવ્યું હતું કે, અગાઉનો બાકિંગ નંબર ઓઈલ કંપનીઓએ બંધ કરી દીધો છે તેની જગ્યાએ નવો નંબર ટૂંક સમયમાં જાહેર કરાશે.