શાહે કહ્યું, વિપક્ષ દ્વારા લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ભારતીય લોકતંત્ર માટે દુર્ભાગ્યપૂર્ણ, સંસદમાં જ્યારે બોલવાનું હોય છે ત્યારે વિપક્ષના નેતા ઈંગ્લેન્ડ-જર્મની હોય છે
નવી દિલ્હી, તા. 11 : ઓમ બિરલાને સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ બુધવારે લોકસભામાં ધ્વનિમતથી ખારિજ થયો હતો. જેનાથી વિપક્ષને ઝટકો લાગ્યો છે. વિપક્ષના વિરોધ અને નારેબાજી વચ્ચે આસન ઉપર બેસેલા જગદંબિકા પાલે ઘોષણા કરી હતી કે અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ થયો છે. પાલે વિપક્ષને પોતાની સીટ ઉપર બેસવા આગ્રહ કર્યો હતો, જેથી અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન થઈ શકે. જો કે વિરોધ યથાવત્ રહેતા ધ્વનિમતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાદમાં સદનને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે બિરલાને સ્પીકર પદેથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા બદલ વિપક્ષ ઉપર નિશાન તાક્યું હતું.
વિપક્ષે શાહની અમુક વાત ઉપર વાંધો ઉઠાવ્યો હતો અને નારેબાજી કરવા લાગ્યા હતા. કાર્યવાહીમાં અડચણ ઉભી કરીને શાહની માફીની માગણી કરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું હતું કે, સદન પોતાના નિયમોથી ચાલશે, કોઈ પક્ષના નિયમોથી નથહી. આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે લગભગ ચાર દશક બાદ સ્પીકર સામે આવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. સંસદના રાજકારણ માટે આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે અમુક વિપક્ષી પાર્ટીઓ સ્પીકરની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવી રહી છે. ભાજપ સૌથી લાંબો સમય વિપક્ષમાં રહ્યો છે પણ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો નથી.
શાહે કહ્યું હતું કે, સદનના ઈતિહાસ અનુસાર કાર્યવાહી પરસ્પરના વિશ્વાસથી ચાલે છે. સ્પીકર તટસ્થતાથી કામ કરે છે. જે પક્ષ વિપક્ષ બન્નેનું નેતૃત્વ કરે છે. શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દાવો કરે છે કે તેઓને બોલવા દેવાતા નથી. હકીકતમાં રાહુલ જ બોલવા માગતા નથી. છેલ્લા અમુક વર્ષમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા ખરડાઓનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે નેતા પ્રતિપક્ષે ચર્ચામાં ભાગ લીધો નથી. શિયાળુ સત્ર દરમિયાન પણ તેઓ જર્મનીના પ્રવાસે હતા જ્યારે મહત્ત્વનું સત્ર હોય છે ત્યારે રાહુલ વિદેશ પ્રવાસે હોય છે.
શાહે આગળ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને તેઓ કહેવા માગે છે કે 17મી લોકસભામાં કોંગ્રેસને 157 કલાક અને 55 મિનિટનો સમય અપાયો છે જ્યારે તેના 52 સભ્યો હતો. આ તુલનાએ ભાજપને349 કલાક અને 8 મિનિટ મળી હતી અને સભ્યો પણ 303 હતા. 18મી લોકસભામાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે 71 કલાકનો સમય લેવામાં આવ્યો છે જ્યારે તેની પાસે 99 સભ્ય છે. ભાજપને 239 સભ્ય હોવા છતા પણ 122 કલાક મળ્યા છે. હકીકતમાં જ્યારે બોલવાનું હોય છે ત્યારે વિપક્ષના નેતા ઈંગ્લેન્ડ અને જર્મની હોય છે.