ઈરાની સૈન્ય અધિકારીએ કહ્યું, ઈરાન પોતાની
અંતિમ પ્રભાવી મિસાઈલથી ડિમોના પરમાણુ રિએક્ટર ઉડાવશે: દુનિયાભરમાં ચિંતા
નવી
દિલ્હી, તા. 11 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે એક નવું અને ખૂબ જ ખતરનાક
જોખમ સામે આવ્યું છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા વચ્ચે એક ઈરાની સૈન્ય અધિકારીએ સ્થાનિક
ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું હત કે જો અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં સત્તા બદલવાની
કોશિશ કરશે તો ઈરાન પોતાની અંતિમ પ્રભાવી મિસાઇલોથી ઈઝરાયલના ડિમોના પરમાણુ રિએક્ટરને
નિશાન બનાવી શકે છે.
ઈરાની
અધિકારી અનુસાર પૂરા મધ્યપૂર્વમાં ઊર્જા માળખાને પણ ટાર્ગેટ કરવામાં આવશે. ઈરાનનાં
આ નિવેદનથી દુનિયાભરમાં ચિંતામાં વધારો થયો છે. ઈરાન પાસે ભલે પરમાણુ બોમ્બ ન હોય પણ
જો ડિમોના પરમાણુ રિએક્ટર ઉપર હુમલો કરવામાં આવશે તો તેની અસર કોઈ પરમાણુ બોમ્બથી ઓછી
રહેશે નહીં. ઈઝરાયલનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમયથી દુનિયા માટે એક રહસ્ય છે. ડિમોના
સ્થિત શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર ઈઝરાયલનું સૌથી સંવેદનશીલ પરમાણુ
સ્થળ માનવામાં આવે છે. જેનું નિર્માણ 1958મા શરૂ થયું હતું. તે સમયે ફ્રાન્સના એક ગુપ્ત
જૂથે ઈઝરાયલની મદદ કરી હતી.
ઈઝરાયલના
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો ડિમોના રિએક્ટર અત્યારસુધીમાં 800 કિલો
હથિયાર ગ્રેડ પ્લુટોનિયમ તૈયાર કરી ચૂક્યું છે. આ ઉપરાંત છ દશકથી જમા થયેલો પરમાણુ
કચરો અને અન્ય રેડિયોએક્ટિવ પદાર્થો પણ પડયા છે. તેવામાં ઈરાનનો હુમલો પરમાણુ બોમ્બ
જેવી જ અસર કરી શકે તેમ છે.