• બુધવાર, 11 માર્ચ, 2026

સૂર્યનારાયણનો પ્રકોપ : 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ

7 શહેરનો પારો 41ને પાર : ગરમીમાં અચાનક વધારો થતાં બપોરના સમયે મુખ્ય માર્ગો પર અવરજવર ઘટી : આજે 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, તા. 10: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે અને આજે આભમાંથી અગનગોળા વરસતા હોય તેમ આકરી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ સહિતના શહેરમાં હીટવેવની અસર જોવા મળી હતી. રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તેમજ અન્ય 7 શહેરમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાયા હતા.

ગુજરાતમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસરમાં વધારો થયો છે. જેના લીધે ગરમીનો પ્રકોપ વધતા રાજ્યના 10 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ 11 માર્ચના રોજ ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બરોડા, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે; સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. તેની સાથે તા. 12 અને 13 તારીખે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોના છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે.

જામનગર : શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બપોર દરમિયાન સૂર્ય દેવતાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, અને ગરમીનો પારો ધીમે ધીમે ઉપર સરકીને 36.2 ડિગ્રીથી ઉપર ચાલ્યો ગયો હોવાથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને લોકોએ પંખા એ.સી. ઓન કરી દેવા પડયા છે.

અમરેલી : શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રભાવ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં મહતમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો. જેના કારણે શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ આશરે 41 ટકા નોંધાયું હતું. શહેરમાં ગરમીમાં અચાનક વધારો થતા બપોરના સમયે મુખ્ય માર્ગો પર અવરજવર ઓછી જોવા મળી હતી.

જૂનાગઢ: સોરઠમાં ઉનાળાના પ્રારંભે જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ છે. તાપમાનનો પારો આજે બીજા દિવસે પણ 41 ડિગ્રીએ રહેતા જનજીવન અકળાયું છે. અસહ્ય તાપથી બચવા લોકો છાયડાના સહારે અને ઘરમાં પુરાઈ રહેવાની નોબત ઉભી થઈ છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક