ગાઝિયાબાદના 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણાના ‘પેસિવ યુથેનેશિયા’ને સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક મંજૂરી
નવી દિલ્હી, તા. 11 : સુપ્રીમ કોર્ટે છેલ્લાં 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણાને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દીધી છે. આ આદેશ ઐતિહાસિક છે કારણ કે દેશમાં પહેલી વખત ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એમ્સથી હરીશ રાણાનો રિપોર્ટ મગાવ્યો હતો. એમ્સે કહ્યું હતું કે રાણાની તબિયત સારી થવાની આશા નથી. ત્યારબાદ કોર્ટે રાણાના પેસિવ યુથેનેશિયા (જીવન રક્ષક પ્રણાલી હટાવવી )ને મંજૂરી આપી હતી. હરીશનાં માતા-પિતાએ પોતાના પુત્રની ઈચ્છામૃત્યુનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો હતો. આ ચૂકાદો આપતા સમયે જસ્ટિસની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને કોર્ટમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો. આ પહેલા ગાઝિયાબાદના 32 વર્ષીય યુવક હરીશ રાણાની ઈચ્છામૃત્યુનો કેસ પૂરા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસથી સન્માનજનક મૃત્યુના અધિકાર જેવા મહત્ત્વના સવાલ ઉભા થયા હતા. બુધવારે ચુકાદો આપતા જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે હરીશ રાણા એક સમયે હોનહાર છાત્ર હતો અને પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો. જો કે એક દુર્ઘટનાએ તેનાં જીવનની દિશા બદલી નાખી હતી. આ સ્થિતિનો ઉલ્લેખ કરતા સમયે જસ્ટિસ પારડીવાલા ભાવુક થયા હતા અને તેમનો અવાજ ભારે થઈ ગયો હતો.
પીઠે ચુકાદામાં કહ્યું હતું કે આવા કેસમાં મુખ્ય સવાલ એ નથી હોતો કે દર્દી માટે મૃત્યુ સારું છે કે નહીં, કેસમાં જોવામાં આવે છે કે જીવનને જાળવી રાખવા માટેનો ઈલાજ વ્યક્તિનાં હિતમાં છે કે નહીં. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં માનવીય ગરિમાને સર્વોપરિ રાખી હતી. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે જીવનને કુત્રિમ સાધનોનાં માધ્યમથી ખેંચવું કોઈ વ્યક્તિની ગરિમાથી વિરુદ્ધ હોય અને રિકવરીની આશા ન હોય તો વ્યક્તિને મૃત્યુ પસંદ કરવાનો અધિકાર છે. અદાલતે કહ્યું હતું કે હરીશ રાણા માત્ર સુવા અને જાગવાના ચક્રમાં ફસાયેલા છે. કોઈ અર્થપૂર્ણ પ્રતિક્રિયા આપી શકતા નથી અને પોતાના રોજિંદા કામ માટે બીજા ઉપર નિર્ભર છે. આટલાં વર્ષોમાં હરીશનાં સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે હરીશ રાણા 20 ઓગસ્ટ, 2013ના પીજીના ચોથા માળેથી પડયો હતો. જેનાથી માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને એક દશકથી વધુ સમયથી કોમામાં છે. બાદમાં સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી સ્થિત એમ્સના ચિકિત્સકો દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટનું અવલોકન કર્યું હતું અને રિપોર્ટને દુ:ખદ ગણાવ્યો હતો.
પુત્ર માટે મોત માગવું ભારે પીડાકારી
પિતા અશોકે રડમસ આંખે કહ્યું : હરીશની મુક્તિ ઇચ્છતા હતા; ફૂડ પાઇપ કાઢીને પાણી પર રખાશે
નવી દિલ્હી, તા. 11 : પોતાનાં સંતાન માટે મોત માગવું કેટલું પીડાકારી હોય છે, તે હરીશ રાણાના માતા-પિતાનાં આંસુ કહી દે છે. માતા નિર્મલા અને પિતા અશોક રાણાએ પુત્ર માટે ઇચ્છા મૃત્યુની છૂટ આપવા બદલ ભીની આંખે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.
પિતા અશોકે રડતી આંખે કહ્યું હતું કે, જોઇ જ ન શકાય તેવી સ્થિતિમાં બિછાને પડેલા પુત્રને મુક્તિ મળે તેવું અમે ઇચ્છતા હતા. અદાલતના આ ફેંસલાથી ભારતમાં હજારો એવા લોકોને પીડાકારી જીવનમાંથી મુક્તિ મળી શકશે, જેઓ મારા પુત્ર જેવી સ્થિતિમાં છે.
હું અને મારી પત્ની વૃદ્ધ થઇ ચૂક્યાં છીએ, કદી સાજો ન થઇ શકે તેવી હાલતમાં હરીશને જોઇ શકવાની હિંમત હવે ખૂટવા માંડી હતી. આ અમારા પરિવાર માટે બેહદ કઠિન નિર્ણય છે.
તબીબોની દેખરેખ હેઠળ હરીશને એઇમ્સમાં લઇ જવાશે, જ્યાં તજજ્ઞ તબીબોનાં વડપણ હેઠળ ફૂડ પાઇપ કાઢી લેવાશે. પછી પાણી પર રખાશે.
ત્યારબાદ પ્રાણ ત્યાગ કરશે, પછી હરીશના પાર્થિવ દેહને ગાઝિયાબાદ લાવીને સન્માન સાથે તેના અંતિમસંસ્કાર કરાશે.
હરીશ 20મી ઓગસ્ટ-2013ના દિવસે હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયો હતો. એ પહેલાં તેના પિતા મુંબઇની તાજ હોટલમાં સેફ તરીકે કામ કરતા હતા.