50 વર્ષ બાદ પહેલી રિફાઈનરી : 27 લાખ કરોડનું રોકાણ કરશે
વોશિંગ્ટન, તા.
11 : ‘મહાયુદ્ધ’થી તેલસંકટ જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે એક મહત્ત્વના સમાચારમાં ભારતની
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકામાં તેલ રિફાઈનરી બનાવવા
માટે સોદો કર્યો છે. અમેરિકામાં 50 વર્ષમાં આ પહેલી નવી ઓઈલ રિફાઈનરી હશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ આ મહત્ત્વાકાંક્ષી સમજૂતી અંગે જાણકારી આપી હતી. આ 300 અબજ ડોલર એટલે કે, લગભગ 27 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક સમજૂતી છે.
રિલાયન્સ તેમજ ભારતનો આભાર માનતાં ટ્રમ્પે કહ્યંy હતું કે, આ અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી ડીલ (સમજૂતી) છે. દક્ષિણ ટેક્સાસના પોર્ટ ઓફ બ્રાઉન્સવિલેમાં આ રિફાઈનરી બનશે, જે દુનિયાની સૌથી સ્વચ્છ તેલ રિફાનરી હશે, તેવો દાવો ટ્રમ્પે કર્યો હતો.
આ યોજનાથી અમેરિકાની ઘરેલુ બજારોને ઈંધણ મળશે, રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનશે અને હજારોની સંખ્યામાં નવી નોકરીઓ પેદા થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે ભારતીય રાજ્ય ગુજરાતનાં જામનગરમાં દુનિયાનું સૌથી મોટું રિફાઈનરી કોમ્પલેક્સ ચલાવવાનો અનુભવ છે.
અમેરિકામાં પર્યાવરણના કડક નિયમો, જૂના પ્લાન્ટસના વિસ્તાર પર ધ્યાન, ભારે ખર્ચના 1970 બાદ આ પહેલી રિફાઈનરી છે જે વૈશ્વિક સ્તરે ભારતીય કંપનીઓનો વધતો પ્રભાવ દર્શાવે છે.
અંબાણીને વેનેઝુએલાના
તેલની પણ પહોંચ મળશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં પ્રસ્તાવિત રિફાઈનરી પ્રોજેક્ટ કંપની માટે એક સકારાત્મક પગલું છે. વિશ્લેષકો માને છે કે, આનાથી મુકેશ અંબાણીને ફક્ત યુએસ ક્રૂડ ઓઈલ સુધી જ પહોંચ મળશે નહીં, પરંતુ સમય જતાં વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ સુધી પહોંચાડવાનો માર્ગ પણ ખૂલી શકે છે.
જો કે, નિષ્ણાતો કહે છે કે, આ સોદાના સંપૂર્ણ ફાયદા કંપનીના નાણાકીય પરિણામોમાં પ્રતિબિંબિત થવામાં સમય લાગશે.