યુદ્ધ સમાપ્તિનો ટ્રમ્પનો સંકેત કારણભૂત : રૂપિયાની ડોલર સામે મજબૂતી : શેરબજારમાં ઉછાળો
નવી દિલ્હી, તા. 10 : મધ્ય પૂર્વમાં
ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે આ યુદ્ધ જલદી સમાપ્ત થશે તેવો સંકેત આપતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો 5ાંચ ટકા
સુધીનો ઘટાડો નોંધાયો હતો, તો રૂપિયો પણ ડોલર સામે મજબૂત થયો હતો.
એક મીડિયા હેવાલ મુજબ, ડોનાલ્ડ
ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, પરંતુ જો
ઈસ્લામિક શાસન ફરી દુશ્મનાવટ શરૂ કરશે તો તેને વધુ ગંભીર ફટકો પડશે, તો હોર્મુઝ સ્ટ્રેટ
દ્વારા સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે ટ્રમ્પે ચોક્કસ તેલ સંબંધિત પ્રતિબંધોમાં કામચલાઉ
છૂટ આપી હતી.
ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો : ટ્રમ્પના
નિવેદન બાદ કાચા તેલના ભાવ ગગડીને 90 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા હતા. યુએસ ડબ્લ્યુટીઆઈ
ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ લગભગ 5ાંચ ટકા ઘટીને 90 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા હતા, જ્યારે
બ્રેન્ટ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું હતું.
ડોલર સામે રૂપિયો મજબૂત થયો :
યુદ્ધ વચ્ચે મંગળવારે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થયો હતો. રૂપિયો 91.86 પર પહોંચી
ગયો હતો, જે અગાઉના બંધ 92.47 હતો અને 10 માર્ચની સવારે 92.11 પર ખૂલ્યો હતો અને બપોર
સુધીમાં તે 91.86 પર પહોંચી ગયો હતો.
સોમવારે રૂપિયો તેના સર્વકાલીન
નીચલા સ્તરની નજીક પહોંચી ગયો હતો. આજે આ વધારો ટ્રમ્પના નિવેદન બાદ થયો હતો.
શેરબજારમાં ઉછાળો : ભારતીય શેરબજારમાં
બે દિવસના ભારે ઘટાડા પછી મંગળવારે મજબૂત રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 600 પોઈન્ટથી
વધુ વધીને બંધ થયો હતો અને નિફ્ટીએ 24,200ના સ્તરને ફરીથી પ્રાપ્ત કર્યું હતું. ઓટો,
પીએસયુ બેંકો અને ખાનગી બેંકોમાં મજબૂત ખરીદી જોવા મળી, જ્યારે ઇન્ડિયા વિક્સ (ફિયર
ઇન્ડેક્સ)માં ઘટાડો થતાં બજાર સ્થિરતાની સ્થિતિ જોવા મળી હતી.