(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.15 : ગુજરાતના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં વકીલ આલમમાં ખુશીની લહેર દોડી છે. રસાકસીભરી મતગણતરી વચ્ચે પ્રથમ પ્રેફરન્સ વોટનું પરિણામ જાહેર થયું છે, આ ચૂંટણીમાં જાણીતા વકીલ જે. જે. પટેલે ક્વોટા પાર કરીને ઐતિહાસિક જીત મેળવી છે. તેમને કુલ 1961 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે જ તેમના સમર્થકો અને વકીલ મિત્રો વચ્ચે ખુશીનો માહોલ સર્જાયો હતો.
જે. જે. પટેલ છેલ્લાં 25 વર્ષથી
વકીલોના હિત અને તેમના પ્રશ્નો માટે સતત કામ કરતા આવ્યાં છે. કોર્ટ સંબંધી સુવિધાઓ,
વકીલોને મળતી સહાય તેમજ કાનૂની વ્યવસ્થામાં સુધારા માટે તેમણે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા
છે. તેમની લાંબી સેવાઓ અને વકીલોમાં રહેલી લોકપ્રિયતા કારણે આ ચૂંટણીમાં તેમને મજબૂત
સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીત બાદ તેમણે તમામ વકીલોનો આભાર વ્યક્ત
કર્યો અને આગળ પણ વકીલ સમાજનાં હિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની ખાતરી આપી હતી.