• સોમવાર, 16 માર્ચ, 2026

લાઠીમાં ભાજપ આગેવાનનો પુત્ર રહસ્યમય રીતે લાપતા બે દિવસથી ઘરેથી નીકળી જતા પોલીસે તપાસ શરૂ કરી

અમરેલી, તા.15 : લાઠીમાં ભાજપ સાથે સંકળાયેલા વેપારી પરિવારનો યુવાન પુત્ર અચાનક ગુમ થતાં શહેરમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ લાઠી શહેર ભાજપના કોષાધ્યક્ષ જયેશભાઈ ઠાકરના પુત્ર અને યુવા મોરચા શહેર ભાજપના મંત્રી મિલન ઠાકર છેલ્લા બે દિવસથી ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વગર નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. તેમનાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે તેનો કોઈ પત્તો ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં મિલન ઠાકર વિશે સાચી માહિતી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મિલન ઠાકર ઘરેથી શા માટે નીકળી ગયા તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરિવારજનો દ્વારા લાઠી પોલીસ મથક ખાતે જાણવા જોગ નોંધ કરાવવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ યુવાનને શોધવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક