અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ
માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા 6 લાખ સુધી કરવાનું જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.14 : સામાજિક ન્યાય
અને અધિકારિતા વિભાગે હવે, લોન વ્યાજદરમાં એકસૂત્રતા લાવવાના આશયથી શૈક્ષણિક અને સ્વરોજગાર
લોન માટે નવા વ્યાજદરો નક્કી કર્યા છે. જે મુજબ શૈક્ષણિક લોનમાં કન્યાઓ માટે 3.5 ટકા
અને કુમારો માટે 4 ટકા, જ્યારે સ્વરોજગાર લોનમાં સ્ત્રીઓ માટે 4 ટકા અને પુરુષો માટે
5 ટકા વ્યાજદર રહેશે.
એવી જ રીતે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની
આવક મર્યાદા હવે 6 લાખ સુધી કરવાનું જાહેર કર્યું છે. ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓમાં પ્રતિ
વિદ્યાર્થી માસિક ગ્રાન્ટ રૂ.2160થી વધારીને રૂ.2500 કરવામાં આવી છે. પાટણ, અમરેલી,
ભાવનગર અને જૂનાગઢમાં 85 કરોડના ખર્ચે સરકારી છાત્રાલયોનું બાંધકામ, મોડાસા, ભુજ અને
મુંદ્રામાં 35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી કન્યા શાળાઓ બનાવવાનું પણ જાહેર કર્યું છે.
વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય
અને સશક્તિકરણ માટે રૂ. 15,254 કરોડની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરાઈ હતી. જેના પર ચર્ચા
થયા બાદ તે પસાર કરાઈ હતી પરંતુ તે અગાઉ આ ચર્ચાનો જવાબ આપતાં મંત્રી ડૉ. પ્રદ્યુમન
વાજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા ખાતેરૂ. 28.47 કરોડના ખર્ચે ડૉ. બાબાસાહેબ
આંબેડકરની સ્મૃતિમાં ‘સંકલ્પભૂમિ સ્મારક અને સંગ્રહાલય’નું નિર્માણ અંતિમ તબક્કામાં
છે. રાજ્યની 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટર સ્થાપવાનું
નક્કી કરાયું છે. વિવિધ રોગો માટે અપાતી તબીબી સહાયમાં રૂ. 1200થી 2000 સુધીનો વધારો
કરવામાં આવ્યો છે. ‘ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર’ (ઉઇઝ) ના માધ્યમથી વચેટિયાઓની નાબૂદી
થઈ છે અને સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચી રહી છે. રાજ્યમાં 23 સમરસ છાત્રાલયો
કાર્યરત છે અને હવે, નવાં 25 છાત્રાલયો બનાવાશે જ્યાં દરેક જાતિના વિદ્યાર્થીઓ સાથે
રહીને શિક્ષણ મેળવશે.