અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાતની
ગગનચુંબી ઉડાન : ખાનગી સ્પેસ સેક્ટરમાં ગુજરાતે રચ્યો ઇતિહાસ
(ફૂલછાબ ન્યુઝ)
ગાંધીનગર, તા. 14 : આજે ધોલેરાના
બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ
’ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ
રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના રાજ્ય
સરકારના વિઝન તરફ આ એક મક્કમ ડગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ખાનગી
સંસ્થાઓને આપવામાં આવતા સહયોગ અને ’ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-2030)’ ને કારણે આજે
ગુજરાતે અવકાશ ક્ષેત્રે ગગનચુંબી ઉડાન ભરી છે. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન
આપીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું સર્જન કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય
છે.
’મેક ઇન ઇન્ડિયા’ અભિગમ હેઠળ
આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી ઓમસ્પેસની અમદાવાદ
ખાતેની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. આ તકે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ લોન્ચિગ માટે એરપોર્ટ ઓથોરિટી
ઓફ ઇન્ડિયા (AAI),
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ સુનિશ્ચિત
કરવામાં આવ્યો હતો. ઓમસ્પેસના સ્થાપક અને ઈઊઘ ડો. રવિન્દ્ર રાજે મંત્રી અને રાજ્ય સરકારનો
આભાર માનતા જણાવ્યું હતું કે, આ સફળતાથી આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી
રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ’ઇન્ફિનિટી વન’ના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.