• ગુરુવાર, 19 માર્ચ, 2026

અમરેલીમાં ખેડૂતે ગાંજાના વાવેતરની મંજૂરી માગી !

કૃષિમંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો: છેલ્લા 10 થી 12 વર્ષમાં ખેતીનો ખર્ચ બેથી ત્રણ ગણો વધ્યો, પરંતુ ખેતીના પાકના ભાવમાં કોઇ નોંધપાત્ર વધારો નથી થયો

અમરેલી તા.18: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ ખેતી ક્ષેત્રની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિમંત્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી એક અનોખી અને ચર્ચાસ્પદ રજૂઆત કરી છે. ખેતીમાં સતત વધતા ખર્ચ અને પાકને યોગ્ય ભાવ ન મળતા હોય, ગાંજાની ખેતી માટે સરકાર માન્ય પરમીટ આપવા માંગણી કરી છે.

ઘનશ્યામભાઈએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના પિતાની માલિકીની સર્વે નંબર 47/3, ખાતા નંબર 149ની જમીનમાં વર્ષોથી ઘઉં, કપાસ, સોયાબીન, તલ અને ડુંગળી જેવા પાકોની ખેતી કરે છે. પરંતુ છેલ્લા 10 થી 12 વર્ષમાં ખેતીનો ખર્ચ બેથી ત્રણ ગણો વધી ગયો છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે વર્ષ 2012માં ડી.એ.પી. ખાતરનો ભાવ 650 રૂપિયા હતો, જે આજે 1500 રૂપિયા સુધી પહોંચ્યો છે. ડિઝલનો ભાવ 32 રૂપિયાથી વધીને 100 રૂપિયા થયો છે, જ્યારે મજૂરી 100 રૂપિયાથી વધીને 500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

બીજી તરફ, ખેતીના પાકોના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. ઘઉંનો ભાવ વર્ષો પહેલા જેટલો હતો, તે આજે પણ લગભગ એટલો જ છે. કપાસનો ભાવ તો 2016-17ના (જુઓ પાનું 10)

2000 રૂપિયાથી ઘટીને આજના સમયમાં લગભગ 1400 રૂપિયા જેટલો રહ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ખેતીમાં નફો મળવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતો મજબૂરીમાં પેઢીથી ચાલતી ખેતીનો વ્યવસાય કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી બની છે કે, ઘણા ખેડૂતો ખેતી છોડીને હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. જો ખેતીમાં યોગ્ય વળતર નહીં મળે તો તેઓ અનાજ અને કઠોળ જેવા પરંપરાગત પાકો છોડવા તૈયાર છે.

આવા સંજોગોમાં તેમણે સરકારને વિનંતી કરી છે કે, જેમ કેટલાક ક્ષેત્રોમાં પરમીટ આપવામાં આવે છે, તેમ ખેતીમાં પણ વિકલ્પરૂપે ગાંજાની ખેતી માટે સરકાર માન્ય પરમીટ આપવામાં આવે. તેમણે ખાતરી આપી છે કે, જો સરકાર પરમીટ આપે તો તેઓ આવનારી ચોમાસાની સિઝનમાં 9થી 10 વિઘા જમીનમાં સરકારના તમામ નિયમો અને ધારાધોરણ મુજબ ગાંજાનું વાવેતર કરશે અને ઉત્પાદનથી લઈને વેચાણ સુધી તમામ નિયમોનું પાલન કરશે. મારે હેતુ માત્ર યોગ્ય આવક મેળવવાનો છે. જેથી તેઓને ખેતી છોડીને બહાર હિજરત કરવાની ફરજ ન પડે. તેમના આ પત્રથી ખેતી ક્ષેત્રમાં વધી રહેલા ખર્ચ, ઘટતા પાક ભાવ અને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ અંગે ફરી એક વાર ચર્ચા તેજ બની છે.

ખેડૂતો હવે પરંપરાગત ખેતીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તેનો વિકલ્પ શોધવા મજબૂર બન્યા છે. હવે જોવાનું રહ્યું કે, રાજ્ય સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે અને ખેડૂતોને રાહત આપવા માટે શું પગલાં લે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક