• સોમવાર, 23 માર્ચ, 2026

સુરેન્દ્રનગર : પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈકને અડફેટે યુવાનોનાં મૃત્યુ

સુરેન્દ્રનગર, તા.22 : સુરેન્દ્રનગર જિલ્લાના હાઇ વે પર રફતારના રાક્ષસ સમાન વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં લટુડા-કટુડા અને દુધરેજ માતોશ્રી પાર્ટી પ્લોટ નજીક સર્જાયેલા એક ગોઝારા અકસ્માતમાં બે મિત્રોનાં કરુણ મૃત્યુ નીપજતા રબારી સમાજમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા તરફથી આવતી બલેનો કારે બે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દુધરેજ રહેતા 26 વર્ષીય નાથુભાઈ ડાયાભાઈ કલોત્રાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાથુભાઈએ તાજેતરમાં જ પોલીસ ભરતીની દોડ પાસ કરી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તેમના સાથી મિત્ર 25 વર્ષીય મહેશભાઈ જેઠાભાઈ કડનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.

બન્ને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડાયા હતા. આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી દુધરેજ પંથકમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક