• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, હાઇકોર્ટનો ચુકાદો

            35 વર્ષની કાયદાકીય લડતના અંતે ભાઈના આકસ્મિક મૃત્યુના કેસમાં પરિવારને ન્યાય મળ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2: ગુજરાત હાઈકોર્ટે વળતરના કેસોમાં એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા નિર્ભરતા (ડિપેન્ડન્સી)ની વ્યાખ્યાને વિસ્તૃત કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફેટેલ એક્સિડન્ટ્સ કાયદો, 1855ની કલમ 1-અ હેઠળ હવે ભાઈઓ અને બહેનોને પણ ‘પરિવાર’નો ભાગ માનવામાં આવશે. જેનાથી તેમને પણ વળતર મેળવવાનો કાનૂની અધિકાર મળશે. 

આ કેસની સમગ્ર હકીકત જોતા આશરે ત્રણ દાયકા જૂની એક દુખદ ઘટના સાથે જોડાયેલી છે. અમદાવાદમાં રહેતા શયન પુરોહિત નામના એક અપરિણીત યુવાનનું મૃત્યુ થયું હતું. શયન તેના મિત્ર પાસેથી સ્કૂટરની ચાવી લેવા માટે અગાશી પર ગયો હતો. તે સમયે અચાનક વીજળીનો મોટો ફ્લેશ થયો હતો. અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની અને ગુજરાત એનર્જી બોર્ડની ગંભીર બેદરકારીને કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પુત્રના મૃત્યુ બાદ શયનની માતાએ ફેટલ એક્સિડન્ટ એક્ટ હેઠળ વળતર માટે દાવો માંડ્યો હતો. આ કાનૂની લડાઈ 35 વર્ષ સુધી ચાલી હતી. આ લાંબી પ્રક્રિયા દરમિયાન માતાનું પણ અવસાન થયું હતું. જેના કારણે શયનના ભાઈ અને બહેનોને આ કેસમાં કાયદેસરના પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં વળતર મંજૂર કર્યું હતું, પરંતુ એઇસી અને જીઇબી બન્નેએ હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાયદાનું ઉદાર અર્થઘટન જરૂરી છે અને ભાઈ-બહેનોને પણ વળતર માટે હકદાર ગણાવ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક