નવીદિલ્હી,તા.2: પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધનાં અનુસંધાને સરકારે 30 જૂન સુધી મુખ્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનો ઉપર કસ્ટમ ડયૂટીમાં છૂટ આપી છે. નાણા મંત્રાલયે જણાવ્યા અનુસાર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાથી પ્લાસ્ટિક, પેકેજિંગ, કાપડ, ફાર્મા, કેમિકલ અને ઓટો કંપોનેન્ટ ક્ષેત્રને લાભ થશે. સરકારે આજે જારી કરેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે, 30 જૂન 2026 સુધી ચુનંદા મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ઉત્પાદનો ઉપરથી કસ્ટમ ડયૂટી હટાવવામાં આવી છે. આ પગલાનો ઉદ્દેશ ઘરેલુ ઉત્પાદકો માટે આપૂર્તિ સંબંધિત અવરોધો ઘટાડવાનો અને વધતી ઈનપુટ પડતરને નિયંત્રિત કરવાનો છે. જેનો લાભ ગ્રાહકોને પણ મળશે. જે ચીજોને કસ્ટમ ડયૂટીમાંથી છૂટ આપવામાં આવી છે તેમાં મેથનોલ, એનહાઈડ્રસ, એમોનિયા, ટોલ્યૂન, સ્ટાઈરીન, ડાઈક્લોરોમેથેન, વિનાઈલ ક્લોરાઈડ મોનોમર, પોલીબ્ફૂટાડીન, સ્ટાઈરીન બ્યૂટાડીન અને એનસેટુરેટેડ પોલિએસ્ટર રેઝિન સામે છે.