ઇન્ટિરીયર અને રિનોવેશનના કામકાજ સ્થગિત થવા લાગ્યા: હવે બાંધકામ ઉદ્યોગ પર પણ અસર પડશે
રાજકોટ,તા.
2(ફૂલછાબ ન્યૂઝ) : ઇરાનમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી સૌરાષ્ટ્રના સિરામિક, પેપર મિલ,
સનમાઇકા, હાર્ડવેર, સ્ટીલ સહિતના ઉદ્યોગ પ્રભાવિત થયા છે. ઇંધણની મોંઘવારી અને કાચા
માલની ભારેખમ અછતથી તૈયાર માલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થઇ ગયો છે. આમ છતાં માલ
ડિલિવરીની કોઇ ગેરંટી નહી મળતા નવું ઘર બનાવનાર, કોન્ટ્રાક્ટર્સ, રિનોવેશન કે ઇન્ટિરિયર
ડિઝાઇનીંગ કરાવનારો વર્ગ ભીંસમાં આવી ગયો છે. આર્કિટેક્ટસ ચાલી રહેલા પ્રોજેક્ટ અટકાવી
રહ્યા છે.
રાજકોટના
એક જાણિતા આર્કિટેક્ટ કહે છે, મારી પાંચથી છ સાઇટસ રાજકોટમાં ચાલે છે. જ્યાં ફ્લોર
બદલવાનું કામકાજ ચાલુ છે. સિરામિક મળવાનું મુશ્કેલ છે. દસ બાર દિવસથી મોરબીમાં ઉત્પાદન
બંધ છે. ઉત્પાદકો અને ડિલરો પાસે જૂના સ્ટોક પૂરાં થવા આવ્યા છે. કાચા માલના ભાવ વધી
જવાને લીધે ભાવમાં 30-40 ટકાનો વધારો થયો છે. અલબત્ત ઉંચો ભાવ ચૂકવ્યા પછી પણ માલ મળવાની
ગેરંટી નથી. જેમને પ્રોજેક્ટ પૂરાં કરવા છે તેવો વર્ગ ડિઝાઇનોમાં બાંધછોડ કરીને ગાડું
ગબડાવી રહ્યા છે. ઇચ્છિત સાઇઝની પણ સમસ્યા છે. અલબત્ત, જોઇએ તેટલો માલ સિરામિક, ટાઇલ્સ
કે બાથવેર માટે મળતો નથી.
સિરામિક
ઉત્પાદકોના કારખાનાઓમાં થયેલા સ્ટોક સાફ થઇ રહ્યા છે. નવું ઉત્પાદન થતું નથી. ટાઇલ્સ
ચોંટાડવા માટે વપરાતા કેમિકલ્સના ભાવ 30 ટકા વધી ગયા છે છતાં મળવા મુશ્કેલ છે.
હાર્ડવેરનું
ઉત્પાદન રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ખૂબ થાય છે. જોકે ગમતી આઇટેમોના ઓર્ડર પૂરાં
થતાં નથી તેમ તેમણે કહ્યું હતું. બધી ચીજોના ભાવ પંદર દિવસ પહેલા 10 ટકા વધારી દેવાયા
હતા. હવે 20 ટકાનો નવો વધારો થયો છે.
લેમિનેટસ
પેપરમાંથી બનતી પ્રોડક્ટ છે પણ પલ્પની આયાત ઘોંચમાં પડી છે. કાચા માલની ભારે તંગીથી
લેમિનેટસમાં ગમતી ડિઝાઇનોના સ્ટોક મળતા નથી. જૂના માલ કોઇ ખરીદવા તૈયાર નથી. લેમિનેટસ
બનાવતી મિલો પણ ઉત્પાદન કરવામાં ડચકાં ખાય છે.
સ્ટીલના
ભાવ વધી જવાને લીધે ફર્નિચર બનાવવાનું પણ મોંઘું પડી રહ્યું છે. રેડીમેડ સ્ટ્રક્ચર
બનાવી આપતી કંપનીઓ પણ ઓર્ડર લેવાનું એટલા માટે ટાળવા લાગી છે કારણકે ઉત્પાદકો પાસેથી
સ્ટીલ મળવાની સમસ્યા છે. એક પેઇન્ટરે કહ્યું કે, કલર-કેમિકલના ભાવ 10-15 ટકા ઉંચકાઇ
જતા હવે ઇન્ટીરીયર કે એક્સટિરિયરના કામકાજમાં પણ બજેટ વધી ગયા છે. જોકે સિમેન્ટ અને
સંલગ્ન ચીજો મોંઘી થતાં હવે બાંધકામના પ્રોજેક્ટ પર પણ અસર પડી રહી છે.
---